કોર્પોરેશન આજે સુકો અને ભીનો કચરો અલગ જ સ્વીકારશે

0
334

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા સુકો અને ભીનો કચરો અલગ અલગ સ્વીકારવાનું ગત સોમવારથી શરૃ કરાયું હતું. લોકોએ અલગ અલગ કચરો નહીં આપતાં કોર્પોરેશને સ્વીકારવાનું બંધ કર્યું હતું. જેનાથી મોટો વિવાદ સર્જાયો હતો જેના કારણે તંત્રને વધુ ચાર દિવસ મુદત વધારી આપવાની ફરજ પડી હતી. ત્યારે હવે આવતીકાલથી ફરીથી સુકો અને ભીનો કચરો અલગ અલગ સ્વીકારવાનું શરૃ થવાનું છે ત્યારે જે વસાહતીઓ વર્ગીકૃત કરેલો કચરો નહીં આપે તેમનો કચરો નહીં સ્વીકારાય અને ફરી ઘર્ષણ થાય તેવી શકયતા પણ જોવાઈ રહી છે.

ગાંધીનગર મહાનગરપાલીકા દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એકટ અંતર્ગત ગત સોમવારથી સુકો અને ભીનો કચરો અલગ અલગ આપવા માટે આદેશ કરવામાં આવ્યો હતો અને જે વસાહતીઓ દ્વારા આ કચરો અલગ નહીં અપાય તેમની સેવાઓ સ્થગીત કરી કચરો નહીં ઉપાડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમવારથી શરૃ થયેલી આ કામગીરીના કારણે રોજીંદો ગાંધીનગરમાંથી ૬૦ ટનથી વધુ કચરો નીકળતો હતો જેના કારણે અલગ કચરો નહીં આપનાર વસાહતીઓનો કચરો ઉપાડવામાં નહીં આવતાં ૩૦ થી ૩પ ટન જેટલો જ કચરો મળતો હતો. ત્યારે આ બાબત વિરોધ ઉભો થતાં અંતે કોર્પોરેશન દ્વારા કચરો અલગ કરીને આપવાની મુદ્તમાં સોમવાર સુધીનો વધારો કરવામાં આવ્યો હતોે. ત્યારે આ મુદત પુર્ણ થતાં હવે આવતીકાલે સવારથી ફરી કોર્પોરેશનની ડોર ટુ ડોર ગાર્બેઝ કલેકશન વાન સુકો અને ભીનો કચરો અલગ અલગ જ સ્વીકારશે. જેના કારણે વર્ગીકૃત કરેલો કચરો નહીં આપનાર વસાહતીઓનો કચરો સ્વીકારવામાં આવશે નહીં અને ફરી તંત્ર સાથે ઘર્ષણની નોબત સર્જાશે. નોંધવું રહેશે કે ગાંધીનગર શહેર વસાહત મહામંડળ સહિત અન્ય સંગઠનો અને સ્થાનિકોએ કોર્પોરેશનને પહેલા કચરો વર્ગીકૃત કરીને આપવા માટે નવી કચરાપેટીઓ આપવાની માંગણી કરી છે. જો કે કોર્પોરેશન આ મામલે અડગ છે અને વસાહતીઓએ જાતે જ કચરાપેટી વસાવીને અલગ કચરો આપવાની અપીલ કરી છે. હાલ કોર્પોરેશનમાં ચુંટાયેલી પાંખનું શાસન નહીં હોવાથી આ મામલે લોકો અને તંત્ર વચ્ચે મધ્યસ્થી પણ થઈ શકે તેમ નથી. ત્યારે આગામી દિવસમાં કચરા મામલાનું આ કમઠાણ નવો વિવાદ સર્જે તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here