ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા દ્વારા SVPI એરપોર્ટ ને સેવા, સુવિધા અને સંરક્ષણ ક્ષેત્રે મળ્યું સન્માન

0
229

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPI)ને મુસાફરોને ઉત્કૃષ્ટ અનુભવ માટે આદરેલી પહેલોને એવોર્ડ એનાયત થયો છે. ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત અમદાવાદ ચેપ્ટર કન્વેન્શન ઓન ક્વોલિટી કોન્સેપ્ટ્સની સ્પર્ધામાં એરપોર્ટ ટીમોએ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું. તેઓને Kaizen, 5S, અને Allied Conceptsની શ્રેણીઓમાં પાંચ સુવર્ણ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુસાફરોના અનુભવને બહેતર બનાવવાના SVPI એરપોર્ટના સમર્પિત પ્રયત્નો અને અમલીકરણ સ્પર્ધામાં ધ્યાનાકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એરપોર્ટ સર્વશ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવા અને પ્રવાસના અનુભવને સમગ્રતયા ઉન્નત બનાવવા સતત કાર્યરત છે.એરપોર્ટે શરૂ કરેલી અનેકવિધ પહેલોને એવોર્ડ સમારંભમાં નવાજવામાં આવી હતી. જેમાં નવા F&B વિસ્તારમાં ગટર વ્યવસ્થામાં સુધારાઓએ પણ મેદાન માર્યુ હતું. તદુપરાંત ઊર્જા-બચતની પહેલો જેમાં પર્યાવરણને અનુકૂળ રેફ્રિજન્ટ (R-410) સાથે રડાર બિલ્ડિંગમાં એર કન્ડીશનીંગ સિસ્ટમને અપગ્રેડેશન, અત્યંત કાર્યક્ષમ સેન્ટ્રીફ્યુગલ ચિલર અને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા કૂલિંગ ટાવર્સ ઇન્સ્ટોલ કરવાથી નોંધપાત્ર ઊર્જા બચત જેવા અભિગમોનો સમાવેશ થાય છે.

SVPI એરપોર્ટની કસ્ટમર એક્સપીરીયન્સ ટીમની વિવિધ પહેલોને પણ સન્માનિત કરવામાં આવી હતી. જેમાં વ્હીલચેર મુસાફરોનો સામાન એકત્રિત કરવા માટે દરેક બેગેજ બેલ્ટ પર ખાસ જગ્યા, આરક્ષિત પાર્કિંગ, બંને ટર્મિનલ્સમાં વ્હીલચેર મુસાફરો માટે ડ્રોપ-ઓફ પિકઅપ વિસ્તારો તેમજ અશક્ત મુસાફરો માટે સુલભ શૌચાલય વગેરેનો સમાવેશ થાય છે. એરપોર્ટની એન્જીનિયરીંગ અને મેઈન્ટેનેન્સ ટીમે કરેલી પહેલોના કારણે વોશરૂમ એરેટરને બદલીને પાણીની બચત થઈ છે.