ગાંધીનગરના અસરગ્રસ્ત ખેડૂતોને ફાળવેલા પ્લોટ્સમાં નામ ટ્રાન્સફર થઇ શકશે..

0
195

ગાંધીનગરમાં પાટનગર નિર્માણ સમયે પોતાની ખેતીની મહામૂલી જમીનો આપનાર અસરગ્રસ્ત ખેડૂતોને ફાળવેલ પ્લોટ(બાંધકામ સહિત)ના વેચાણ બાબતે નામ.સુપ્રિમ કોર્ટ ખાતે પડતર એસ.એલ.પી.૮૯૬/૨૦૧૨ના કેસમાં આવેલ તા.૦૨/૧૧/૨૦૧૨ના મનાઇ હુકમ લાગુ હોવાને કારણે આ અસરગ્રસ્તો પોતાના પ્લોટ કે બાંધકામ સહિતના પ્લોટ-મકાનને વેચાણ કરી શકતા નહોતા જેના કારણે ખાસ કરીને સેક્ટર-25 અને સેક્ટર-26 સહિતના પ્લોટધારકો છેલ્લાં ઘણા વર્ષોથી મૂંઝવણમાં મુકાયેલા હતા. જોકે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ખુબજ એક્ટિવ મહિલા માન.ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના પ્રયાસોને પગલે અને ગાંધીનગરના સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માન. અમિતભાઇ શાહના સકારાત્મક સહયોગથી આ પ્રશ્નો ઉકેલ આવ્યો છે અને હવે આ મનાઈ હુકમમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને બાકાત રાખવાનો કાયદા વિભાગનો અભિપ્રાય મળતા અસરગ્રસ્ત ખેડૂતોની વર્ષો જુની સમસ્યાના ઉકેલની દિશા મળી છે જેના પગલે શહેરના આશરે અઢી હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂત પરિવારોમાં આનંદની લાગણી પ્રસરવા પામી છે.

ઘણા લાંબા સમયથી અટવાઈ રહેલી આ સમસ્યાના ઉકેલ મતે ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલણ સાધીને નામદાર સુપ્રીમ કોર્ટના મનાઈ હુકમના અર્થઘટન અંગે માર્ગદર્શન મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં સાંસદ માન. અમિતભાઇ શાહનો સાકારત્મક સહયોગ પ્રાપ્ત થયો હતો. આ અંગે માર્ગ અને મકાન વિભાગને કાયદા વિભાગે “સુપ્રિમ કોર્ટનો તા.02/11/2012નો આદેશ શહેર ગાંધીનગરના વિકાસ માટે જેમની જમીનો સંપાદિત કરવામાં આવી હતી અને આવા સંપાદનના બદલામાં આવા પ્લોટો ટ્રાન્સફર કરીને વેચવા માટે મંજૂર કરવામાં આવ્યા હતા તે વ્યક્તિઓને લાગુ પડશે નહીં” તે પ્રકારે અર્થઘટન તારવતા હવે ગાંધીનગર ખાતે સેકટર ૨૫,૨૬માં અસરગ્રસ્ત ખેડૂતોને ફાળવેલ પ્લોટના પ્લોટધારકો તેમના બાંધકામ સહિતના પ્લોટનું વેચાણ કરી શકે તે દિશામાં માર્ગ મોકળો થયો છે. માન.ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના પાટનગરવાસીઓ પ્રત્યેના સંવેદનશીલ અભિગમ અને અસરકારક પ્રયાસોને કારણે લાંબા સમયથી ગૂંચવાયેલો પ્રશ્ન ઉકેલાઈ જવા પામ્યો છે. આ અંગે કાયદા વિભાગના માર્ગદર્શનની વિગતવાર નકલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવા મોકલી આપવામાં આવી છે.