ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારતની ઊર્જા છે. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ગ્રામીણ ક્ષેત્રનું આત્મનિર્ભર હોવું આવશ્યક છે. ભારતના ગામડાઓને મોડેલ કો-ઓપરેટીવ વિલેજ બનાવવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ, ગુજરાતના છ ગામોમાં સંપૂર્ણ કો-ઓપરેટીવ વ્યવસ્થા અમલી કરીને આ ગામોને મોડલ કો-ઓપરેટીવ વિલેજ બનાવાશે.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભારતના સહકારી ક્ષેત્રના સૌ પ્રથમ એવા સહકારી મહાસંમેલન- “સહકારથી સમૃદ્ધિ”માં ઉપસ્થિત સહકારી ક્ષેત્રના આગેવાનો અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા ભારતભરના કિસાનોને સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, ભારત સરકાર દેશના કિસાનોના હિતમાં જે પણ કરવા યોગ્ય છે તે તમામ પ્રયત્નો કરશે. દેશના કિસાનની તાકાત વધારવા આપણી સરકાર પ્રયત્નશીલ છે. આ વર્ષે ભારતના કિસાનોને કેન્દ્ર સરકાર બે લાખ કરોડથી પણ વધુ રાહત આપશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, આઝાદી પહેલાં દેશભરમાં અસહકારની ચળવળ ચલાવવામાં આવી હતી. જ્યારે આજે સહકારની ચળવળનો સમય છે. અસહકારથી સહકાર સુધીની આ યાત્રા જ સમૃદ્ધિના દ્વાર ખોલશે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’નો મંત્ર સહકારની અંદર જ સમાયેલો છે. આ મંત્રને સાકાર કરીને ગુજરાતની સહકારી મંડળીઓ આજે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બની રહી છે.
ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઇફ્કોના નેનો પ્રવાહી યુરિયા પ્લાન્ટનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ અવસરે વિશેષ આનંદની અનુભૂતિ અભિવ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, અગાઉ ભારતનો ખેડૂત યુરિયા લેવા જતો એ દૃશ્યની કલ્પના કરીએ તો પણ પરેશાની થાય છે. આજે યુરિયાની એક બોરીની તાકાત એક નેનો પ્રવાહી યુરિયાની બોટલમાં સમાઈ ગઈ છે. અડધો લીટર બોટલ કિસાનની યુરિયાની એક બોરી જેટલી જરૂરિયાત પૂરી કરે છે. આના પરિણામે ખર્ચ ઓછો થઈ જશે, નાના ખેડૂતો માટે આ સંશોધન ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે. અત્યારે કલોલના ઇફ્કોના આ પ્લાન્ટની ક્ષમતા દોઢ લાખ બોટલના ઉત્પાદનની છે, જે ક્રમશઃ વધશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આવનારા દિવસોમાં ભારત દેશમાં આવા ૮ પ્લાન્ટની સ્થાપના કરાશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ભારત દેશ યુરિયા માટે વિદેશો પર નિર્ભર રહ્યો છે. આ સંશોધનથી દેશનું ધન બચશે. એટલું જ નહીં, યુરિયા ઉપરાંત ભવિષ્યમાં અન્ય ખાતરોના પર્યાય તરીકે પણ નેનો સંશોધનો થાય એ દિશામાં ભારતના કૃષિ વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. આ પગલાંને તેમણે અત્યંત મહત્વપૂર્ણ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ફર્ટિલાઇઝરના વપરાશમાં સમગ્ર દુનિયામાં ભારત બીજા ક્રમે છે જ્યારે ઉત્પાદનમાં ત્રીજા ક્રમે છે. સાત-આઠ વર્ષ પહેલાં આયાત થતાં યુરિયાના કાળા બજાર થતાં આપણે જોયા છે. ભારતના કિસાનોને યુરિયાની તેમની જરૂરિયાત પૂરી કરવા માટે લાકડીઓ ખાવી પડતી હતી. યુરિયાની ફેક્ટરીઓ હતી તે પણ નવી ટેકનોલોજીના અભાવે બંધ થતી ગઈ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને તેલંગાણામાં યુરિયા ફર્ટિલાઇઝરના ઉત્પાદનના પાંચ કારખાના બંધ પડ્યા છે, તેને પુનઃ કાર્યરત કરવા કેન્દ્ર સરકાર અત્યારે કટિબદ્ધ છે. ઉત્તર પ્રદેશ અને તેલંગાણાના યુરિયા પ્લાન્ટ પુનઃ કાર્યરત થઇ ગયા છે, બાકીના ત્રણ પ્લાન્ટ નજીકના ભવિષ્યમાં શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, ફર્ટિલાઇઝરની જરૂરિયાત સંતોષવા ભારતે દાયકાઓથી વિદેશી આયાત પર નિર્ભર રહેવું પડતું હતું. યુરિયાની જરૂરિયાતનો એક ચતુર્થાંશ હિસ્સો આયાત કરવો પડે છે, જ્યારે પોટાશ અને ફોસ્ફેટ ૧૦૦ ટકા વિદેશથી આયાત કરવું પડે છે. કોરોનાના છેલ્લા બે વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફર્ટિલાઇઝરની કિંમતો વધી. એટલું ઓછું હોય તેમ યુદ્ધની પરિસ્થિતિમાં અત્યારે વૈશ્વિક બજારમાં ફર્ટિલાઇઝરની ઉપલબ્ધિ ઓછી થઈ અને કિંમતો ખૂબ વધી. ફર્ટિલાઇઝરની આંતરરાષ્ટ્રીય સ્થિતિ અત્યંત ચિંતાજનક છે, છતાં પણ કિસાનો પ્રત્યે અત્યંત સંવેદનશીલ એવી ભારત સરકારે અનેક મુસીબતો વેઠીને પણ કિસાનોને કોઈ જ તકલીફોનો સામનો ન કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જી છે. આપણે દેશમાં ફર્ટિલાઇઝરનું સંકટ નથી આવવા દીધું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ભારત સરકાર ૫૦ કિલોની ફર્ટિલાઇઝરની એક બેગ રૂ.૩૫૦૦માં આયાત કરે છે. પરંતુ દેશના કિસાનોને રૂ.૩૫૦૦ને બદલે ફર્ટિલાઇઝરની ૫૦ કિલોની આ બેગ માત્ર રૂ.૩૦૦માં સરકાર આપે છે. યુરિયાની એક બેગ પર કિસાનોને બદલે ભારત સરકાર રૂ.૩૨૦૦થી વધુ બોજ સહન કરે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ડીએપી ખાતરની ૫૦ કિલોની બેગ પર કેન્દ્ર સરકાર રૂ.૨૫૦૦ ખર્ચ સહન કરે છે. ગત ૧૨ મહિનામાં ભારતના કિસાનોને બદલે ભારત સરકારે ફર્ટિલાઇઝરની કિંમતોનો પાંચ ઘણો ભાર વહન કર્યો છે. ભારતના કિસાનોને ફર્ટિલાઇઝર માટે કેન્દ્ર સરકારે ગત વર્ષે રૂ. ૧ લાખ, ૬૦ હજાર કરોડની સબસિડી આપી છે. કિસાનોને મળનારી રાહત રૂ.૨ લાખ કરોડથી વધુ થવાની સંભાવના છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ભારતના કિસાનોને ફર્ટિલાઇઝરની ઉપલબ્ધિ માટે વિદેશોની પરિસ્થિતિ પર નિર્ભર ન રાખી શકાય. ખાતરની આયાતમાં દર વર્ષે વિદેશોમાં જતા લાખો રૂપિયા ભારતના કિસાનોના ઘરમાં આવવા જોઈએ. આ માટે કેન્દ્ર સરકાર કાયમી અને સ્થાયી સમાધાન શોધવા પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું હતું કે, અગાઉની સરકારોમાં માત્ર સમસ્યાઓનું તાત્કાલિક સમાધાન શોધવા પર ભાર મુકાતો હતો. આગળ ઊભી થનારી વિકટ પરિસ્થિતિની ચિંતા કોઈ નહોતું કરતું. વીતેલા આઠ વર્ષોમાં મારી સરકારે સમસ્યાઓનું તાત્કાલિક સમાધાન તો કર્યું જ છે, પરંતુ તમામ સમસ્યાઓના કાયમી સમાધાન શોધવા અથાગ પ્રયત્નો કર્યા છે. તેમણે કહ્યું કે, કોરોનાની વિકટ પરિસ્થિતિ પછી ભારતમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરને વધારે સુદૃઢ કરવામાં આવી રહ્યું છે. ખાધતેલની સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે મિશન ઓઇલ પામ હાથ ધરવામાં આવ્યું છે. કાચા તેલ માટેની વિદેશી નિર્ભરતા ઓછી કરવા બાયો ફ્યુઅલ અને ગ્રીન હાઈડ્રોજન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ફર્ટિલાઇઝરમાં નેનો ટેકનોલોજી અને અન્ય જરૂરિયાતોમાં પણ વિશેષ સંશોધનો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ફર્ટિલાઇઝરની જરૂરિયાત ઓછી કરવા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રાકૃતિક ખેતી અભિયાન એ આ દિશામાં આ સમસ્યાનું કાયમી સમાધાન માટેનો પ્રયત્ન છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતનો કિસાન પ્રગતિશીલ છે. ગુજરાતનો નાનામાં નાનો ખેડૂત પણ સાહસિક છે. તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવનારા કિસાનોને અભિનંદન આપ્યા હતા અને તેમની પહેલને પ્રણામ કર્યા હતા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, આત્મનિર્ભરતામાં ભારતની અનેક મુશ્કેલીઓનો ઉકેલ છે. આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સહકાર એ બહેતરીન મોડેલ છે. “સહકારથી સમૃદ્ધિ” -સહકારી ક્ષેત્રના ભારતના આ મહાસંમેલનમાં ઉપસ્થિત સહકારી ક્ષેત્રના દિગ્ગજો અને સહકારી ક્ષેત્રને સફળ બનાવનાર સેનાનીઓ અને જૂના સાથીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગુજરાત એટલે પણ સૌભાગ્યશાળી રહ્યું છે કે, પરમ પૂજ્ય ગાંધીજી અને સરદાર પટેલનું નેતૃત્વ ગુજરાતને મળ્યું છે. પૂજ્ય બાપુએ સહકારથી સ્વાવલંબનનો જે માર્ગ દેખાયો હતો, સરદાર વલ્લભભાઈ પટેલે તેને જ સાકાર કરવાનું કામ કર્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી વૈકુંઠભાઈ મહેતાનું સ્મરણ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, શ્રી વૈકુંઠભાઈ મહેતાની સ્મૃતિમાં એક ભવનનું નિર્માણ થયું છે, તે પણ બિસ્માર હાલતમાં હતું. કેન્દ્ર સરકારે આ અંદાજપત્રમાં શ્રી વૈકુંઠભાઈ મહેતાની સ્મૃતિમાં કાર્યરત ક્ષેત્રના વિકાસ માટે રૂ.૨૫ કરોડની ફાળવણી કરી છે અને આ કામને વધારે તાકાતવર બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા પ્રીતમનગરની સ્મૃતિઓને તાજી કરતાં કહ્યું હતું કે, દેશની પહેલી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી પ્રીતમનગરમાં બની હતી, જે દેશની પહેલી કો-ઓપરેટીવ આવાસ યોજનાનું જીવતું જાગતું ઉદાહરણ છે. ગુજરાતની અમૂલ બ્રાન્ડ એ આખી દુનિયામાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. એટલું જ નહીં, ગુજરાતની કો-ઓપરેટીવ મુવમેન્ટની તાકાતનો પરિચય દુનિયાને આપ્યો છે. આજે ગુજરાત ડેરી ઉપરાંત ખાંડ અને બેન્કિંગમાં પણ સહકારી ક્ષેત્રની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. આજે ફળ અને શાકભાજી જેવા ક્ષેત્રોમાં પણ સહકારી ક્ષેત્રનો વ્યાપ વિસ્તર્યો છે. દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવામાં સહકારી ક્ષેત્રનું મોટું યોગદાન છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, દેશના ગ્રામીણ અર્થતંત્રને સમૃદ્ધ બનાવીને ટકાવી રાખવામાં ડેરી ઉદ્યોગનો ફાળો મહત્ત્વનો પૂરવાર થઈ રહ્યો છે. આજે ભારત દૂધ ઉત્પાદનક્ષેત્રે વિશ્વનો સૌથી મોટો દેશ બન્યો છે. જેમાં ગુજરાતનો સિંહફાળો છે. એક વર્ષ દરમિયાન ભારતમાં કુલ આઠ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે. આ સમગ્ર વ્યવસ્થામાં દેશની માતાઓ-બહેનોનું અનેરું યોગદાન છે. આ દૃષ્ટિએ દેશમાં અનાજના કુલ બજારની સરખામણીએ પણ દૂધનું બજાર ઘણું મોટું છે. જ્યારે દેશનું પશુપાલનનું કુલ બજાર ૯.૫૦ લાખ કરોડથી વધુનું છે. જેમાં નાના ખેડૂતો અને ભૂમિહીન પશુપાલકોનો ફાળો સૌથી વધારે છે.
પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજે ભારતના ગામડાંઓ વધુ સમૃદ્ધ બન્યા છે, તેનું સૌથી મોટું અને અગત્યનું કારણ દેશનું સહકારક્ષેત્ર છે. ગુજરાતનું સહકારી મોડલ સમગ્ર દેશ માટે આજે પ્રેરણારૂપ પુરવાર થઈ રહ્યું છે. એક સમય હતો, જ્યારે કચ્છમાં ડેરીઓના નિર્માણ માટે અનેક નિયંત્રણો હતાં. અમારી સરકારે આવીને આ નિયંત્રણો દૂર કરીને રાજ્યભરમાં ડેરી ઉદ્યોગને વેગવાન બનાવ્યો. જેના પરિણામે આજે અમરેલી, કચ્છ-સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ડેરી ઉદ્યોગનો વ્યાપ વધ્યો છે. આજે ગુજરાતની ૭૦ લાખ મહિલાઓ આ ઝૂંબેશનો ભાગ છે. જેના પરિણામે લગભગ ૫૦ લાખ પરિવારો સમૃદ્ધ બન્યા છે. ૫૫૦૦થી વધુ દૂધ ઉત્પાદક મંડળીઓ રાજ્યની માતાઓ-બહેનો ચલાવે છે.
ગુજરાતની ઓળખ અમૂલ બ્રાન્ડથી દેશભરમાં પ્રચલિત થઈ તે પણ સહકારક્ષેત્રનું અનેરું મોડલ દર્શાવે છે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું કે, વર્ષો પહેલાં રાજ્યની આદિવાસી અને પછાત વિસ્તારોની બહેનો દ્વારા શરૂ કરવામાં આવેલી “લિજ્જત” પાપડની બ્રાન્ડ આજે મલ્ટિનેશનલ બ્રાન્ડ બનીને વિશ્વના ખૂણેખૂણે પહોંચી છે. માતાઓ-બહેનોને પ્રત્સાહિત કરવા માટે લિજજત પાપડ ગૃહ ઉદ્યોગનો પ્રારંભ કરનારાં મહિલાના યોગદાનને ધ્યાનમાં લઈને અમે તેમને ‘પદ્મશ્રી’થી નવાજિત કર્યા છે. સહકારી ક્ષેત્રમાં બહેનોની ભૂમિકા અત્યંત મહત્ત્વની પૂરવાર થઈ રહી છે. બહેનોના કૌશલ્ય, મનોબળને મજબૂત બનાવવા દેશ અને રાજ્યની સરકારો ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કારણ કે, સહકાર જ ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવાનો આત્મા છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ અમારી સરકારે નક્કી કર્યું કે, આઝાદીનો અમૃતકાળ સહકારના ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામનો પણ અમૃતકાળ બની રહે. પરિણામે, દેશમાં સૌ પ્રથમ વખત કેન્દ્રીય સ્તરે સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી અને દેશભરમાં સહકારિતા આધારિત મોડલ રજૂ કરી, આ ક્ષેત્રના સુગ્રથિત વિકાસ માટે અનેકવિધ આયામો અમારી સરકારે હાથ ધર્યા છે. જેના પરિપાકરૂપે આ ક્ષેત્રના નાના અને મધ્યમકદના એકમો બજારમાં હરિફાઈ કરવા યોગ્ય બન્યા છે.
વડાપ્રધાનશ્રીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીકાળની યાદો તાજી કરતાં કહ્યું કે, તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ દ્વારા સહકારી મંડળીઓ પર લાગતા ટેક્સ દૂર કરવા રજૂઆતો મળતી હતી અને આ સંદર્ભે તત્કાલિન કેન્દ્ર સરકારને હું ચિઠ્ઠીઓ લખતો હતો, પરંતુ આ બાબતે ક્યારેય વિચારાયું નહોતું. અમારી સરકાર રચાયા બાદ તરત જ આ બાબતે નિર્ણય લઈને સહકારી મંડળીઓ પરનો ટેક્સ નાબુદ કરાયો. એટલું જ નહીં, ગુજરાતની સહકારી મંડળીઓ અનેક ફરિયાદો લઈને આવતી હતી, આજે આ જ મંડળીઓ પોતાની કામગીરીના રિપોર્ટ કાર્ડ લઈને આવે છે. આવી નાની મંડળીઓમાં આજે અનેક પ્રકારના બદલાવો જોવા મળી રહ્યા છે. તેઓ કોમ્પ્યૂટરનો ઉપયોગ કરતા થયા છે. આ ડિજિટાઇઝેશન જોતા ખરેખર ગર્વ થઈ આવે છે. એટલું જ નહીં, નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરવા માટે સહકારી બૅંકો દ્વારા ૮ લાખ ખેડૂતોને ‘રુપે’ કાર્ડ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત દેશભરની ૬૩ હજારથી વધુ પ્રાયમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી-PACSમાં પારદર્શિતા આવે એ માટે તેને કોમ્પ્યૂટરાઇઝ્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે લાખો ખેડૂતોને ફાયદો થશે. સહકારીક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો આજે ગવર્ન્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ-GeM પોર્ટલ પરથી ખરીદી કરતા થયા છે. જેને સ્વીકૃતિ મળવાથી આજે સરળતાથી અને ઓછી કિંમતે વસ્તુઓ અને ઉત્પાદનો મળતા થયા છે.
તેમણે ઉમેર્યું કે આઝાદીનો આ અમૃતકાળ લઘુ અને મધ્યમકદના ઉદ્યોગોને, નાના દુકાનદારોને વધુ સક્ષમ બનાવવાનો કાળ બની રહેશે. નાના વેપારીઓને વેચાણની ઉમદા તકો મળે તે માટે Open Network for Digital Commerce (ONDC)નું ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. પડકારો સામે સમાધાન શોધવામાં જ સહકારની ખરી કસોટી છે, ત્યારે અમારી સરકારનો સમગ્ર પ્રયાસ આપત્તિને અવસરમાં પલટવાનો છે. આજે આવા અનેક પ્રકલ્પો થકી નવી સિદ્ધિઓ હાંસલ કરવામાં મદદ મળી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, સહકારી ક્ષેત્ર ગ્રામ્ય અર્થતંત્રનો ધબકાર છે, તો લોકશાહીનો આધાર પણ છે. ગુજરાતમાં આવેલી વિવિધ સહકારી સંસ્થાઓને પરિણામે ગુજરાતના ખેડૂતો, શ્રમિકો, ગરીબો, દલિતો અને મહિલાઓ આર્થિક રીતે પગભર થયા છે- સમૃદ્ધ થયા છે. સહકારી પ્રવૃત્તિ દ્વારા ગુજરાતે માઈક્રો અને મેક્રો એમ બંને સ્તરે આગવી કેડી કંડારી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં છેલ્લા આઠ વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં સરકારની કાર્યપ્રણાલીમાં મોટું પરિવર્તન આવ્યું છે, તેમજ નવી પહેલ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારમાં સહકારિતા મંત્રલયની શરૂઆત તેનું એક આગવું ઉદાહરણ છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર બદલાવ લાવવાવાળી સરકાર લોકોને મળી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
પ્રધાનમંત્રીશ્રી તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીના નેતૃત્વમાં, સહકારી બેંકોના ગવર્નન્સમાં સુધાર, સહકારી સંસ્થાઓની અધુનિકતા, કો-ઓપરેટીવ સોસાયટી માટેના વૈકલ્પિક લઘુતમ દરમાં ઘટાડા જેવા સુધારાવાદી પગલાંની મુખ્યમંત્રીશ્રીએ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આઝાદી પહેલા અસહકારની લડતમાં અગ્રણી રાજ્ય એવું ગુજરાત હવે આઝાદી બાદ સહકાર ક્ષેત્રમાં પણ અગ્રણી બન્યું છે. સહકારના બળે આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય આપણે પ્રાપ્ત કરવું છે.
તેમણે કહ્યું કે ગુજરાતના સહકારી ક્ષેત્રે મહિલાઓના સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાતનું સહકારી ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે, રાજ્યમાં ૮૩ હજારથી વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે જેમાં અંદાજે ૨ કરોડ ૩૧ લાખ સભાસદો જોડાયેલા છે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા IFFCO નેનો યુરિયાના લોંચીંગ સંદર્ભે કહ્યું કે, ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખેતરમાં નેનો યુરિયાના છંટકાવની પહેલ આપણે કરવાના છીએ. ડ્રોન વડે નેનો યુરિયાના છંટકાવથી ખેતીમાં મજૂરી ખર્ચ ઘટશે અને પાકને એક સરખું યુરિયા મળશે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સહકારી ક્ષેત્રના યોગદાનથી ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સહકારિતાના અમૃત થકી દેશના આર્થિક વિકાસને વેગ આપવાનો વિશ્વાસ તેમણે આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ
સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતભરમાંથી સહકાર સંમેલનમાં સહભાગી થયેલા સહકારી આગેવાનો ખેડૂતો ભાઈઓ-બહેનોને આવકારતા કહ્યું હતું કે ગુજરાત સહકારીતા ક્ષેત્રનું સફળતાનું મોડેલ છે. કોઈ પણ ક્ષેત્રમાં ગુજરાતે સહકારિતાના આત્માને બચાવ્યો છે. દેશભરમાં બહુ ઓછા પ્રાંત છે કે જ્યાં પેક્સથી એપેક્સ સુધી સહકારિતા સિદ્ધાંત અને પારદર્શિતા પર ચાલતી હોય તેમાં આપણું ગુજરાત એક છે જે બદલ સહકારિતા કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણને યાદ છે કે, આઝાદીના સમયથી સ્વાવલંબન–સ્વદેશીના બે આધાર સ્તંભ પર શ્રી સરદાર પટેલ અને શ્રી મોરારજી દેસાઈએ ગાંધીજીના નેતૃત્વમાં શરૂઆત કરી હતી ત્યારબાદ શ્રી ત્રિભુવનદાસ પટેલ અને શ્રી વૈકુંઠભાઇ મહેતા જેવા અનેક કાર્યકર્તાઓએ સહકારિતા ક્ષેત્રને મજબૂત કરવા પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે. આ જ કારણે તેમણે વાવેલું સહકારિતાનું બીજ વટવૃક્ષ બની વિશ્વની સમક્ષ આજે ઉભું છે.
હું સહકારીતા ક્ષેત્રે જોડાયો ત્યારથી સર્વે સહકારી કાર્યકરોની માંગ હતી કે, કેન્દ્રમાં સહકારિતા માટેનું અલગ મંત્રાલય હોય તેવું કહી સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, તે સમયે કોઇ સરકારે આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યું ન હતું. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વર્ષ પહેલા ક્રાંતિકારી પગલું ભર્યું અને કેન્દ્રમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરી હતી. આ કદમ થકી આવનારા ૧૦૦ વર્ષ સુધી સહકારિતા આંદોલનમાં પ્રાણ પૂરાયા છે.
તેમણે ઉમેર્યું હતું કે, મંત્રાલયના નિર્માણ બાદ આ સરકારે એવું ઉમદા નિર્ણય લીધો છે કે ખાંડની મિલોને વધારે નફો થતો તે કિસાનના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરતાં હતા ત્યારે ઇન્કમટેક્સ લાગતો હતો. બજેટમાં આ ટેક્સ દૂર કરીને કિસાનોને રૂ. ૮,૦૦૦ કરોડનો ફાયદો આ સરકારે કરાવ્યો છે. સહકારિતા ક્ષેત્ર પરના સરચાર્જ ટેક્સને પણ ૧૨ ટકાથી ઘટાડીને ૭ ટકા આ બજેટમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સહકારીતા પર ૧૮.૫ ટકા વેટ હતો તે ઘટાડીને ૧૫ ટકા કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે ફેબ્રુઆરી-૨૦૨૦માં એક ઠરાવ કરીને ક્રેડિટ ગેરંટી ફંડની જેટલી યોજનાઓ છે તે હવે કો-ઓપરેટીવના માધ્યમથી જ ચાલશે. ભારત સરકારના તમામ મંત્રાલયની એક દિવસની બેઠક યોજાઈ હતી જેમાં સહકારિતા મંત્રાલયને પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું. આ ક્ષેત્રે અનેક નિર્ણયો પ્રગતિમાં છે. આ બજેટમાં ઘોષણા કરી છે ૬૩,૦૦૦થી વધુ પેક્સ કાર્યરત છે તે તમામનું કમ્પ્યુટરાઇઝેશન કરવાનું કામ ભારત સરકાર -નાબાર્ડ સાથે મળીને કરી રહી છે. આ ક્રાંતિકારી પગલુ આપણી ત્રિસ્તરીય કૃષિ ફાઇનાન્સ ક્રેડિટ સિસ્ટમ માટે લેવાઇ રહ્યું છે. પેક્સની જેમ જિલ્લા સહકારી બેન્ક, રાજ્ય સરકારી અને નાબાર્ડનું પણ એક જ પ્રકારનું સોફ્ટવેર હશે. નાબાર્ડના કોમ્પ્યુટરની અંદર તમામ પેક્સનું દૈનિક જે વેપાર-રિકવરી થાય છે તે તમામ નાબાર્ડ સુધી પહોંચશે. જેના પરિણામે પારદર્શિતા આવશે. જેથી પેક્સ બંધ કરવાનો સમય જ નહીં આવે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું હતું કે નવી સરકાર નીતિ બનાવવા પણ ભારત સરકારે વેબસાઇટ અને પ્રત્યક્ષ સૂચનો મંગાવવાના શરૂ કર્યા છે. સહકારી સંસ્થાઓ સાથે બેઠક પણ કરી છે. પેક્સમાં માછલી પાલનની સહકારી સમિતિઓ, દૂધ ઉત્પાદક સહકારી સમિતિઓ, ઘાસચારો એકત્રિત કરતી સમિતિઓ અથવા કોઇ પણ પ્રકારની સહકારી સમિતિઓનો એક મોટો ડેટા બેન્ક ભારત સરકાર તૈયાર કરવા જઇ રહી છે. આ સાથે પેક્સને બહુઉદેશીય બનાવવા પણ ભારત સરકાર કામ કરી રહી છે.
સહકાર મંત્રીશ્રીએ કહ્યું હતું કે હાલમાં ઓર્ગેનિક કૃષિ ઉત્પાદન મંડળીઓ માટે કોઇ વ્યવસ્થા નથી. AMUL હેઠળ ભારત સરકાર નજીકના સમયમાં પ્રથમ લેબોરેટરી અમૂલ ફેડ, ગાંધીનગર ખાતે ડેરીમાં તેયાર કરવા જઇ રહી છે. આનો વિસ્તાર કરીને તમામ જિલ્લામાં તેની લેબ તૈયાર થવાથી પ્રામાણિત ઓર્ગેનિક કૃષિ ઉત્પાદન ખેડૂત પાસે પહોંચશે તેનો ફાયદો ખેડૂતોને થશે. આ લેબથી એક મોટુ સહકારિતા આધારિત નેટવર્ક તૈયાર થશે. ભારત સરકાર મલ્ટિ સોસાયટી કો-ઓપરેટિવ એક્ટમાં પણ ખૂબ મોટા સુધારા કરવા જઇ રહી છે.
તેમણે કહ્યું હતું કે ભારતમાં આ સહકારીતા મંત્રાલયની નવી શરૂઆત થઇ છે ત્યારે તેમાં નિમણુંક પ્રક્રિયા, ખરીદી અને ઓડિટ સિસ્ટમમાં ખૂબ મોટી પારદર્શિતા આવશે. આ તમામ પ્રક્રિયા બદલવા રાજ્યો સાથે પણ ચર્ચા ચાલી રહી છે. આ બદલાવ આવવાથી સહકારિતા આંદોલનની વિશ્વસનીયતામાં વધારો થશે અને આ આંદોલનમાં શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં નવો પ્રાણ ફૂંકાશે. ભારતને ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવા PM શ્રી મોદીજીનું સ્વપ્ન સાકાર કરવામાં સહકારી ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન ગણાશે.
સહકારીતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે આજે નેનો યુરિયા પ્રવાહી સ્વરૂપે પ્લાન્ટનું કલોલ ખાતે શ્રી મોદીજીના હસ્તે ઇ-લોકાર્પણ થયું છે તેના ખૂબ મોટા ફાયદા છે. આ નેનો યુરિયાથી આપણી જમીન, પાણી અને હવા પ્રદૂષિત થતી બચશે અને ખેડૂતોનું સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. નેનો યુરિયા પ્રવાહીના ઉત્પાદનથી એક બેગની જગ્યાએ માત્ર ૫૦૦ મિલિ લિટરની નાની બોટલ ખેડૂતો પોતાના પોકેટમાં ઘરે લઇ જઇ શકે તેટલું સરળ બનશે. જેનાથી પરિવહન ખર્ચ અને શક્તિ બચશે, આ કૃષિ ક્ષેત્રે મોટો બદલાવ છે. ખેતરમાં જ્યારે આપણે યુરિયા નાખીએ છીએ ત્યારે માત્ર ૨૫ ટકા યુરિયા જ ઉત્પાદન વધારવા કામ આવે છે, ૭૫ ટકા યુરિયા હવામાં ઓગળી જાય છે તેની સામે નેનો યુરિયા પ્રવાહી ઉત્પાદન વધારવામાં ૯૯ ટકા કામ આવે છે. ૧૦૦ ટકા ખેત ઉત્પાદન વધારવાના આ નવા પ્રયોગની શોધ બદલ ઇફ્કોના વૈજ્ઞાનિકો અને કેન્દ્રીય ખાતર મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા સહિત તમામને સહકાર મંત્રીશ્રીએ આ પ્રસંગે અભિનંદન આપ્યા હતા.
વડાપ્રધાન શ્રી મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સહકારિતા ચળવળમાં કોઇ કસર છોડવામાં આવશે નહિ તેવી પણ આ પ્રસંગે સહકારિતા મંત્રીશ્રીએ સહકાર ક્ષેત્રના ભાઇ-બહેનોને વિશ્વાસ અપાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણી, જમીન અને હવા પ્રદૂષિત ન થાય તેવા નિરામય ભારતની કલ્પના કરી છે તેમની આ કલ્પનાને ચરિતાર્થ કરવા માટે નેનો યુરિયા તરલ સ્વરૂપે ઇફ્કોએ બનાવ્યું છે જેને આજે દેશભરમાં વિતરણ કરવા ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા
સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, ‘સહકારિતા’ એ માત્ર એક વ્યવસ્થા કે કાયદાકીય જોગવાઈ નહિ પરંતુ એક સંસ્કાર છે. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને એક મિશન તરીકે અપનાવવા આહવાન કર્યું છે. સહકારી ક્ષેત્રોમાં નવી તકો સર્જી સહકારથી સમૃદ્ધિની ભાવનાને વધુ મજબૂત બનાવવા સહકાર ખાતાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથો સાથ વધુમાં વધુ યુવાઓ અને મહિલાઓ પણ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાય તે માટે રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
મંત્રી શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું કે, આજે સહકારી મંડળીઓની રચના માટે તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના માર્કેટિંગ માટેની આગવી વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં ગુજરાતનો સહકાર વિભાગ સતત પ્રગતિશીલ છે. દર ત્રીજો ગુજરાતી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે તેમ કહેતા મંત્રીશ્રીએ સૌને સાથે મળીને સહકારી પ્રવૃત્તિને વેગવંતી બનાવવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રિય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયા, સંસદ સભ્ય શ્રી સી.આર.પાટીલ, મંત્રી મંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા દૂધ સહકારી મંડળી, ૨૨૪ એ.પી.એમ.સી, ગ્રામ્ય દૂધ ઉત્પાદક મંડળીઓના આગેવાનો અને પ્રતિનિધિઓ વિવિધ સહકારી ક્ષેત્રના આગેવાનો, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, કેન્દ્ર-રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને સહકાર ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સાંઘાણી અને ભારતના આશરે ૬ કરોડથી વધુ ખેડૂતો વર્ચ્યુઅલિ જોડાયા હતા.