ગાંધીનગરના સેકટર – 30 ના ડમ્પિંગ સાઈટમાં પાંચ દિવસ પછી ફરીવાર આગ ભભૂકી

0
230

ગાંધીનગરના સેકટર – 30 માં આવેલ ડમ્પિંગ યાર્ડમાં પાંચ દિવસ અગાઉ વહેલી પરોઢિયે અચાનક કચરામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. એજ રીતે આજે ફરીવાર કોઈ કારણસર ડમ્પિંગ યાર્ડના કચરામાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ફાયર બ્રિગેડની ટીમે સત્વરે પહોંચી જઈ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ત્યારે વારંવાર આગની ઘટના પાછળ કોઈ ચોક્ક્સ તત્વો હોવાની શકયતા સેવાઈ રહી છે.ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેકટર – 30 ડમ્પિંગ યાર્ડમાં શહેરનો સૂકો અને ભીનો કચરો એકત્રિત કરીને કચરામાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે. જો કે અત્રેની ડમ્પિંગ સાઈટનાં કારણે આસપાસના વસાહતીઓમાં વ્યાપક રોષ ફેલાયેલો છે. કેમકે અહીં આખા શહેરનો કચરો એકઠો કરવામાં આવતો હોવાથી તીવ્ર દુર્ગંધ વાતાવરણમાં પ્રસરતી રહે છે. અને વાયુ પ્રદૂષણનું પ્રમાણ પણ વધી ગયું છે.

બીજી તરફ થર્મલ પાવર સ્ટેશનમાંથી નીકળતી રાખના કારણે પહેલાથી જ અહીંનાં વિસ્તારમાં રાખ(એશ) દૂર દૂર સુધી પ્રસરતી રહેતાં વસાહતીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. આ મામલે અનેક વખત ઉચ્ચ સ્તરે રજૂઆતો થઈ છતાં હજી આ સમસ્યાનો કાયમી નિવેડો આવી શક્યો નથી. ત્યારે પાંચ દિવસ અગાઉ ડમ્પિંગ યાર્ડમાં વહેલી પરોઢિયે ભીષણ આગ લાગી હતી. જેનાં કારણે દૂર સુધી ધુમાડાના ગોટેગોટા વાતાવરણમાં ફેલાઈ જતાં પ્રદૂષણ પણ વધી ગયું હતું.