ગાંધીનગરમાં ડબલ ઋતુનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ ,દવાનો છંટકાવ – ફોગીંગ કરવાની નગરજનોની માંગ

0
236

ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી ડબલ ઋતુનાં અહેસાસ વચ્ચે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી જવા પામ્યો છે. જેનાં કારણે મચ્છરજન્ય રોગોમાં દિન પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. આથી ગાંધીનગર મહા નગર પાલિકા વિસ્તારમાં દવાનો છંટકાવ કરી ફોગીંગ કરવામાં આવે તેવી માંગ નગરજનો દ્વારા કરવામાં આવી છે.

જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળામાં આવેલા ઉછાળાને પગલે ઘરે ઘરે બિમારીના ખાટલા જેવી સ્થિતિ બની રહી છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં તાવનાં કેસોની ઓપીડી વધી રહી છે. શિયાળાની વિદાય વચ્ચે ડબલ ઋતુનો અહેસાસ નગરજનો કરી રહ્યા છે. એમાંય થોડા દિવસો અગાઉ વાતાવરણમાં આવેલા પલટાનાં કારણે પણ મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે.

આ અંગે સેકટર – 2 વસાહત મંડળના પ્રમુખ રાજેન્દ્ર પારેખે જણાવ્યું હતું કે, ડબલ ઋતુના કારણે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી તાવનાં રોગો વધી રહ્યા છે. શહેરમાં રખડતાં ઢોરોનાં કારણે પણ જ્યાં ત્યાં ગંદકી ફેલાઈ રહી છે. જેનાં કારણે પણ મચ્છરોનું પ્રમાણ વધી ગયું છે. તેમજ વસાહત વિસ્તારના કોમન ચોકમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળવાનાં કારણે પણ મચ્છરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

છેલ્લાં ઘણાં દિવસથી મચ્છરોનો ઉપદ્રવ વધી જવાના કારણે નાગરિકો તેમજ ખાસ કરીને નાના બાળકો બીમારીનો ભોગ બની રહ્યા છે. જેથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા શહેરમાં દવાનો છંટકાવ કરવામાં આવે. ઉપરાંત રહેણાંકના કોમન ચોક સહિતના વિસ્તારોમાં ફોગીંગની કામગીરી સત્વરે કરવામાં આવે તેવી નગરજનોની માંગ છે.