ગાંધીનગરમાં તસ્કરોએ માજા મુકી….

0
297

ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે સેક્ટર-૭માં રહેતો પરિવાર મકાન બંધ કરીને લોકાચારે ગયો હતો તે દરમ્યાન તસ્કરોએ મકાનના તાળા તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૧૩.૪૨ લાખ રૃપિયાની મત્તા ચોરી લીધી હતી. ગઇકાલે રાત્રે પરિવાર પરત ફર્યો ત્યારે ચોરીનો અંદાજ આવ્યો હતો.જેથી આ મામલે સેક્ટર-૭ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે.

ગાંધીનગર શહેર રાજ્યનું પાટનગર હોવા છતા અહીં ચોરીના બનાવો સાવ સામાન્ય બની ગયા છે. ખાસ કરીને બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરતી ટોળકીનો ત્રાસ વધી રહ્યો છે પરંતુ હજુ સુધી તે પકડમાં આવી નથી. જેના કારણે ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શહેરના સેક્ટર-૭માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું છે. પ્લોટ નં.૨૭૨-૧માં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા રાજકુમાર ઉર્ફે રાજુભાઇ જ્ઞાાનચંદ જૈનના ફોઇ અમદાવાદ રખિયાલ ખાતે ગત તા.૨૧મીએ અવસાન પામતા તેઓ મકાન બંધ કરીને અમદાવાદ ગયા હતા. જે દરમ્યાન તસ્કરો મકાનની પાછળના ભાગનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરી-કબાટમાં રાખવામાં આવેલી કિંમતી માલ સામાનની ચોરી કરી હતી. રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ ૧૩.૪૨ લાખની મત્તા ચોરીને ચોર ટોળકી પલાયન થઇ ગઇ હતી ત્યારે રાત્રે લોકાચાર પતાવીને પરિવાર ઘરે આવ્યો ત્યારે ઘરમાં સામાન વેર વિખેર પડયો હતો જેથી ઘરમાં ચોરી થઇ હોવાનો અંદાજ આવી ગયો હતો. જે બાબતે સેક્ટર-૭ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ૧૩.૪૨ લાખની ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા મથામણ શરૃ કરી છે.