ગાંધીનગરમાં સમાવિષ્ટ 26 ગામમાંથી કચરાના નિકાલ માટે એજન્સીએ હાથ અધ્ધર કર્યા

0
252

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ 26 ગામડામાં ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ અર્થે મુંબઈની એજન્સીએ કામના ખર્ચનાં 1.20 કરોડની સામે 75 ટકા નીચું એટલે કે માત્ર 46 લાખનું ટેન્ડર ભર્યું હતું. જે ટેન્ડર લાગી ગયા પછી એજન્સીને અહેસાસ થયો હતો કે ઘાટ કરતાં ઘડામણ મોંઘી પડવાની છે. આથી એજન્સીએ કચરાના નિકાલ અર્થની કામગીરી માટે હાથ અધ્ધર કરી લેવામાં આવતાં ગુડાએ તેની ઈએમડીની 1.70 લાખની રકમ જપ્ત કરી ફરીવાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ 26 ગામમાં પણ શહેરની જેમ ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલ અર્થે ગુડા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ 26 ગામોમાંથી ઘન કચરો એકઠો કરીને સેકટર -30ની ડમપિંગ સાઈટ પર લઈ આવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેનાં માટે ગુડાએ અંદાજીત 1.20 કરોડનો ખર્ચ મૂકવામાં આવ્યો હતો.આખરે ઘાટ કરતાં ઘડામણ મોંઘી પડે એમ હોવાથી એજન્સીએ ભૂલથી ટેન્ડર ભરાઈ ગયાનું બહાનું કાઢીને ઉક્ત કામગીરી કરવા માટે હાથ અધ્ધર કરી લીધા હતા. આથી ગુડા દ્વારા એજન્સીની ઈએમડીની 1.70 લાખની રકમ જપ્ત કરી લેવામાં આવી છે. ત્યારે હવે ગુડા દ્વારા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરીમાં એજન્સીને મોટું આર્થિક નુકશાન વેઠવું પડતું હોવાના કારણે મોટાભાગે કોઈ એજન્સી આ કામ કરવા માટે જલ્દી ટેન્ડર ભરતી નથી. આગામી દિવસોમાં આ કામ અર્થે કેટલી એજંસીઓ રસ દાખવેએ જોવું રહ્યું છે.