ગાંધીનગર, તા. 18 જુલાઈ: અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું સૌથી મહત્વપૂર્ણ જોડાણ ગણાતું ઇન્દિરા બ્રિજ હવે વધુ આધુનિક અને વિશાળ બનવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે (R&B) 43 વર્ષ જૂના આ બ્રિજના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ હાલના 6 લેનના બ્રિજની બંને બાજુ નવા ત્રણ-ત્રણ લેનના કેબલ-સ્ટેઇડ બ્રિજ બનાવવામાં આવશે, જેના કારણે સમગ્ર કોરિડોર 12 લેનનો બની જશે.
ઇન્દિરા બ્રિજ અમદાવાદ એરપોર્ટ, કોબા, ગાંધીનગર અને સચિવાલય વચ્ચેનો મુખ્ય માર્ગ હોવાથી દરરોજ હજારો વાહનો અહીંથી પસાર થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રાફિકમાં સતત વધારો થતાં પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિકજામ સર્જાતો હતો. નવા વિસ્તરણ બાદ વાહનવ્યવહાર વધુ સરળ બનશે તેમજ મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.
પ્રોજેક્ટની અંદાજિત કિંમત આશરે ₹109 કરોડ છે, જ્યારે પ્રથમ તબક્કા માટે ₹96.23 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. નવા બ્રિજમાં આધુનિક કેબલ-સ્ટેઇડ ડિઝાઇન અપનાવવામાં આવશે. ઉપરાંત બંને બાજુ આશરે 2.5 મીટર પહોળા ફૂટપાથ અને સાબરમતી નદીના નજારાનો આનંદ માણી શકાય તે માટે વ્યૂઇંગ ગેલેરી પણ બનાવવામાં આવશે.
આ પ્રોજેક્ટનો દેખાવ અમદાવાદના એપોલો સર્કલ કેબલ-સ્ટેઇડ બ્રિજ અને દ્વારકાના સુદર્શન સેતુથી પ્રેરિત હોવાનું જણાવવામાં આવ્યું છે. નવા બ્રિજના નિર્માણ દરમિયાન હાલનો ઇન્દિરા બ્રિજ યથાવત કાર્યરત રહેશે જેથી વાહનવ્યવહાર પર ઓછામાં ઓછી અસર પડે.
તાજેતરમાં ઇન્દિરા બ્રિજમાં તિરાડો અંગે ચર્ચા ઉઠી હતી, પરંતુ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે તે સ્ટ્રક્ચરલ તિરાડો નહીં પરંતુ ‘એક્સપાન્શન જોઈન્ટ્સ’ છે, જે બ્રિજની સામાન્ય ઇજનેરી રચનાનો ભાગ છે. ટેકનિકલ ઓડિટમાં બ્રિજ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું પણ જણાવાયું હતું.
ઇન્દિરા બ્રિજનું વિસ્તરણ પૂર્ણ થયા બાદ અમદાવાદ, ગાંધીનગર અને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. ઉપરાંત, સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ના વિકાસ સાથે આ વિસ્તારને વધુ આકર્ષક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળશે.






