ગાંધીનગર જિલ્લામાં ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરાશે 

0
159

રાજય સરકારના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ’સ્વાગત’ ને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં એપ્રિલ માસના છેલ્લા સપ્તાહને ’ સ્વાગત સપ્તાહ’ તરીકે ઉજવણી કરવામાં આવશે. જેના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
આ બેઠકના આરંભે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. જેના અનુસંઘાને રાજય સરકાર દ્વારા એપ્રિલ માસના છેલ્લા સપ્તાહને સ્વાગત સપ્તાહ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી જિલ્લાના નાગરિકો સરકારના લોકાભિમુખ વહીવટથી વાકેફ બને, તેમજ લોકોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે તે માટે ગ્રામ્ય કક્ષા થી લઇ જિલ્લા કક્ષાએ એમ ત્રણ સ્તરે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. ગ્રામ્ય કક્ષાએ લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત સરળતાથી કરી શકે, તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ થાય તેવું સુચારું આયોજન કરવા સર્વે જિલ્લાના અધિકારીઓને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. કલેકટરશ્રીએ ગ્રામ સ્વાગતના કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા રજૂ થતાં પ્રશ્નોના પરિણામલક્ષી નિકાલ માટે જિલ્લા પંચાયત દ્વારા બેઠકવાર ગામોની પસંદગી કરીને રાજ્યપત્રિત અધિકારીશ્રીઓની નોડલ અધિકારીશ્રી તરીકે નિમણૂક કરવા પણ જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ જિલ્લાના તમામ નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત તબક્કાવારનાં સ્વાગત કાર્યક્રમમાં તેઓના પ્રશ્નોની રજૂઆત કરવા ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર વતી અપીલ કરી છે.
ગાંધીનગર જિલ્લામાં તા. ૧૭મી એપ્રિલ, ૨૦૨૩ સુઘી ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયતની સીટ અનુસાર કરવામાં આવશે.આ બેઠક વિસ્તારમાંથી એક ગામ ખાતે ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજાશે.
સ્વાગત સપ્તાહની ઉજવણીમાં અંતર્ગત આજે તા. ૧૩ એપ્રિલના રોજ ભોયણમોટી, બોરીસણા, પરબતપુરા, અમરાજીના મુવાડા, બહિયલ ખાતે ગ્રામ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૪ એપ્રિલના રોજ સોજા ખાતે, તા.૧૫ એપ્રિલના રોજ પલિયડ, પાનસર, સમૌ, હાલીસા, હરખજીના મુવાડા, અડાલજ, છાલા, સાદરા, સરઢવ અને લોદરા ખાતે, તા. ૧૬ એપ્રિલના રોજ ચરાડા ખાતે અને ૧૭ એપ્રિલના રોજ સઈજ, સાંતેજ, મહુડી, બિલોદરા, કડજોદરા, રખિયાલ, સાણોદા, ઉવારસદ, વલાદ, ચિલોડા અને ડભોડા ખાતે ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અઘિકારી શ્રી સુરભિ ગૌત્તમ, નિવાસી અધિક કલેકટર શ્રી ભરત જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બી.કે.પટેલ, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા, કલોલ પ્રાંત અધિકારી શ્રી કિષ્નાબા વાઘેલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાનવી પટેલ સહિત મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.