ગાંધીનગર મનપાનું વર્ષ 2023-24 નું 950 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરાયું

0
137

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી બેઠકમાં વર્ષ 2023-24 નું રૂ. 949.90 કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. ત્યારે સભામાં સ્ટેન્ડીંગ ચેરમેને મહાભારતના સંદર્ભો અને શાયરીઓ સાથે બજેટને લોકોપયોગી હોવાનું કહેતા મેયરને બજેટ પૂરતી જ ચર્ચા કરવા ટકોર કરવાની ફરજ પડી હતી. જ્યારે વિપક્ષ નેતાએ વર્ષમાં 200 વખત ઘ-4 અંડરપાસ રીપેર થયો હોવાનો વિપક્ષે ટોણો મારીને ગાંધીનગરની પ્રજા સાથે છેતરપીંડી કરાઈ રહી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સભામાં વર્ષ 2023-24 માટે રૂ.949.90કરોડના બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ બજેટમાં રાજ્યમાં પ્રથમ વખત વેન્ડિંગ પોલિસી અને પાર્કિંગ પોલિસી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જે અંગે સ્ટેન્ડીંગ ચેરમેન જશવંત પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં સૌ પ્રથમ આ બંને પોલિસીનો અમલ ગાંધીનગર મનપા દ્વારા થશે. તેમજ મેયર હિતેષભાઈ મકવાણાએ સ્માર્ટ આંગણવાડી, મોબાઈલ સ્કૂલ, મોબાઈલ લેબોરેટરી તથા દિવ્યાંગો માટે વિશેષ જોગવાઈનો ઉલ્લેખ કરતાં આ બજેટને ઐતિહાસિક અને નવો ચીલો ચાતરનારું ગણાવ્યું હતું.