મહેન્દ્ર પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી, ચૂંટણીનાં પરિણામો બાદ 20 દિવસની રાહનો અંત; વિપક્ષે વહીવટી તંત્ર સામે પક્ષપાતના આક્ષેપો કર્યા
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની ચોથી સામાન્ય ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવી સત્તા જાળવી રાખ્યા બાદ આજે અંતે શહેરના નવા પદાધિકારીઓની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં મેયર તરીકે રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ મહાનગરપાલિકામાં આગામી કાર્યકાળ માટેનું નવું સત્તાકીય માળખું અસ્તિત્વમાં આવ્યું છે.
ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના 20 દિવસ સુધી મેયર સહિતના મહત્ત્વના પદો માટેની પસંદગી અંગે રાજકીય અટકળો ચાલતી રહી હતી. ભાજપની આંતરિક ચર્ચાઓ અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને અંતિમ નામો નક્કી કરવામાં આવ્યા હતા. આજે યોજાયેલી સામાન્ય સભામાં સીલબંધ કવરમાંથી નામોની જાહેરાત થતાં લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવ્યો હતો.
વહીવટી તંત્રની ભૂમિકા સામે કોંગ્રેસનો વિરોધ
પદાધિકારીઓની પસંદગીની પ્રક્રિયા દરમિયાન વિપક્ષે મ્યુનિસિપલ કમિશનર અને મહાનગરપાલિકાના વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે સરકારી વહીવટી તંત્ર નિષ્પક્ષ રીતે કામ કરવાને બદલે સત્તાધારી પક્ષના ઈશારે કાર્ય કરી રહ્યું હોય તેવું જણાય છે. મહાનગરપાલિકા કોઈ રાજકીય પક્ષની ખાનગી કચેરી નથી અને સરકારી પ્રક્રિયાઓ પક્ષીય દબાણ હેઠળ ચલાવી શકાય નહીં તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.
કરમજિતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપના મેન્ડેટની જાહેરાતમાં વિલંબ થવો એ ભાજપનો આંતરિક મામલો છે, પરંતુ તેના કારણે સરકારી કચેરીઓ અને સામાન્ય સભાની કામગીરીને અસર થવી યોગ્ય નથી. વહીવટી તંત્રએ સત્તાધારી પક્ષના દબાણથી મુક્ત રહીને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ. આ મુદ્દે વિપક્ષે તંત્રની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
સામાજિક સમીકરણો વચ્ચે ભાજપે નામો નક્કી કર્યા
મેયર સહિતનાં મહત્ત્વનાં પદોની પસંદગીમાં ભાજપે સામાજિક અને રાજકીય સમીકરણોને પણ ધ્યાનમાં રાખ્યાં હોવાનું માનવામાં આવે છે. ઓબીસી સમાજના રૂપસિંહ ઠાકોરને મેયરપદની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે. બીજી તરફ અંજના મહેતાને ડેપ્યુટી મેયરપદની જવાબદારી આપવામાં આવી છે.
મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓમાં પણ હવે નવા ચહેરાઓને સ્થાન મળશે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પસંદગી બાદ શહેરના વિકાસકામો, બજેટ, નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વના વહીવટી પ્રસ્તાવોમાં નવી ટીમની ભૂમિકા નિર્ણાયક બનશે.
કોંગ્રેસ પાંચ બેઠકો સાથે સદનમાં સક્રિય ભૂમિકામાં
આ વખતે મહાનગરપાલિકામાં વિપક્ષની ભૂમિકા પણ અગાઉની સરખામણીએ વધુ મહત્ત્વપૂર્ણ બની શકે છે. કોંગ્રેસે પાંચ બેઠકો મેળવીને સદનમાં પોતાની હાજરી મજબૂત બનાવી છે. એક અપક્ષ સભ્યનો સાથ મળતાં વિપક્ષની સંખ્યા અને રજૂઆતની ક્ષમતામાં વધારો થયો છે.
આ પરિસ્થિતિમાં કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતાપદ માટે દાવો કરવામાં આવે તેવી શક્યતા છે. શહેરના વિકાસકામો, નાગરિક સુવિધાઓ, બજેટની ફાળવણી અને વહીવટી નિર્ણયોને લઈને વિપક્ષ સત્તાધારી પક્ષને ઘેરવાનો પ્રયાસ કરશે. અગાઉની ટર્મમાં નબળા દેખાયેલા વિપક્ષની સરખામણીએ આ વખતે સામાન્ય સભામાં વધુ સક્રિય અને આક્રમક રાજકીય ચર્ચા જોવા મળી શકે છે.
નવા મેયર અને ડેપ્યુટી મેયર સહિતની ટીમ સામે હવે શહેરના વિકાસને વેગ આપવાની સાથે નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો પડકાર રહેશે. બીજી તરફ મજબૂત વિપક્ષની હાજરીમાં મહાનગરપાલિકાની આગામી સામાન્ય સભાઓમાં રાજકીય ગરમાવો રહેવાની શક્યતા છે.






