અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સોમવારથી બે દિવસની ભારતની મુલાકાતનો પ્રારંભ અમદાવાદથી થઇ રહ્યો છે. આજે વિદેશ બાબતોના સચિવ રવીશકુમારે જાહેર કર્યા પ્રમાણે, પ્રેસિડેન્ટ એરપોર્ટથી સીધા જ સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ જવા રવાના થશે. આમ, ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીઆશ્રમની સૂચિત મુલાકાતે હવે જશે નહીં. જોકે, પ્રેસિડેન્ટ બીજા દિવસે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજઘાટ ઉપર જઇ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરશે, તેમ સત્તાવાર જાહેર કરાયું છે. આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોતાના હોમ સ્ટેટમાં ઇન્ડિયા રોડ શોના ગ્રાન્ડ આયોજનમાં ગાંધીઆશ્રમની મુલાકાત રદ થતાં હવે અમદાવાદમાં થનારા ૨૨ કિમીના રોડ શોનો વિસ્તાર ઘટી ગયો છે એટલું જ નહીં. રોડ શો માટે પ્રેસિડેન્ટ અડધો કલાક પણ રોડ ઉપર રહેશે નહીં. જોકે, જનતાને તો રોડ શો માટે સવારે ૧૦ વાગ્યા સુધીમાં રૂટના નિર્ધારિત સ્થળો ઉપર પહોંચી જવું પડશે અને પ્રેસિડેન્ટનો કાફલો પસાર થઇ ગયા પછી અડધો કલાકે ત્યાંથી પાછા જવા મળશે. આથી, સવારથી બપોરે ધોમધખતાં તાપમાં જનતાને પરસેવો પાડવો પડશે. પણ વિદેશી મોંઘેરા મહેમાનોની સીધી ઝલક જોવા મળશે નહીં.
અમેરિકી સુરક્ષા એજન્સીએ સમગ્ર રૂટના નિરીક્ષણ પછી પ્રેસિડેન્ટની મોટરકારને અમુક ગતિ મર્યાદાથી ધીમે હંકારવાનો ઇન્કાર કરી દીધો છે. સુરક્ષાના કારણોસર અમેરિકી પ્રેસિડેન્ટ અને એમના પત્ની ક્યારેય ખુલ્લી મોટરકાર કે એવા કોઇ કોન્વેયમાં સામેલ થતાં નથી. જોકે, અહીં કેટલીક છૂટછાટ વચ્ચે એરપોર્ટથી સ્ટેડિયમના અંદાજે ૮ કિમીના રસ્તા ઉપર ૨૮ સ્ટેજ ઉપરથી પ્રસ્તુત થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી આર્મ્ડ અને બુલેટપ્રુફ ‘બિસ્ટ’ લિમોઝીન કારમાંથી જ નીહાળશે. આમ, તેઓ રોડ શો દરમિયાન અડધો કલાકથી વધારે સમય રહેવાના નથી. જોકે, સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ ખાતે બન્ને મહાનુભાવો ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે લગભગ દોઢ કલાક પસાર કરશે. આ કાર્યક્રમ ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ’ના ઉપક્રમે યોજાઇ રહ્યો છે.
અમેરિકી સુરક્ષા એજન્સીએ રોડ શો માટેના રૂટને ક્લિયર કર્યા પછી આજે પ્રથમ પૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સાથેનું રિહર્સલ થયું હતું અને એમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી એરપોર્ટ સર્કલ થઇ હાંસોલ સર્કલથી ઇન્દિરાબ્રિજ થઇ કોટેશ્વરના નવનિર્મિત રોડ પરથી સીધા મોટેરા સ્ટેડિયમ અને ત્યાંથી એરપોર્ટનો રૂટ લેવામાં આવ્યો હતો. આ સાથે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ ગાંધીઆશ્રમની મુલાકાત લેવાના નથી એમ વધારે સ્પષ્ટ થયું હતું. વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ પ્રેસિડેન્ટના અમદાવાદ એરપોર્ટ પર સોમવારે કેટલા વાગે ઉતરશે એનો વિધિવત સમય જાહેર કર્યો નથી. તેમણે બપોર 12 વાગ્યા પહેલાં તેઓ અમદાવાદ લેન્ડ થશે એમ જણાવ્યું હતું.
પ્રેસિડેન્ટ વોશિંગ્ટનથી અમદાવાદ જર્મની થઇને આવશે
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ તથા એમની સાથે જોડનારા ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનો અમેરિકાથી ભારત આગમનનો સૂચિત શિડ્યૂલ આ પ્રમાણે છે.
23 ફેબ્રુઆરી: સાંજે ૭: વાગ્યે વોશિંગ્ટનથી થશે રવાના, રાત્રે જર્મનીમાં સ્ટોપ ઓવર
24 ફેબ્રુઆરી (ભારતીય સમય પ્રમાણે, સૂચિત)
સવારે 11:55 એરપોર્ટ પર આગમન
બપોરે 12:00 રેડ કાર્પેટ વેલકમ, પીએમ
બપોરે 12:10 ગાર્ડ ઓફ ઓનર
બપોરે 12:15 થી 12:25 એરપોર્ટ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમોની મજા માણશે
બપોરે 12:30 ઇન્ડિયા રોડ શોનો આરંભ
બપોરે 12:45 સ્ટેડિયમ પર આગમન
બપોરે 12:55 વાગે સ્ટેડિયમની અંદર આવશે
બપોરે 1:00 ટ્રમ્પ-મોદીનું સંબોધન
બપોરે 2:30 સ્ટેડિયમમાં ફરી શકે.
બપોરે 3:00 આગ્રા જવા રવાના
સાંજે 4:15 આગ્રા તાજમહાલ પહોંચશે
સાંજે 6:30 સૂર્યાસ્તનો નજારો માણી એરપોર્ટ
સાંજે 6:45 દિલ્હી જવા રવાના
સાંજ 7:30 દિલ્હી એરપોર્ટ પર આગમન