ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં વરસાદ વિઘ્ન બની રહ્યો છે. રવિવારે દક્ષિણ ગુજરાતમાં 7 થી 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે સૌરાષ્ટ્ર સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાથી ખેલૈયાઓની મજા બગાડી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી 72 કલાક માટે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ અને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બે કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં વરસાદ થતાં ખેલૈયા અને આયોજકોમાં ચિંતાની સાથે નિરાશા છવાઇ ગઇ છે.






