ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી થતા મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. શંકાસ્પદ કેસનો આંકડો વધીને 27 થયો છે તેમજ છેલ્લા 5 દિવસમાં 15 બાળકોના મોત નિપજ્યા છે. વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસના કારણે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે.
માહિતી મુજબ અમદાવાદ સિવિલમાં ચાંદીપુરાથી અસરગ્રસ્ત 3 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 1 બાળક વેન્ટિલેટર પર છે. જેમાં બે બાળકો ચાંદલોડિયા અને આંબાવાડીના છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના વાયરસના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે.
ચાંદીપુરા વાયરસ વધુ વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રિનિંગ વધારી દેવાયું છે. અંદાજે 10 હજારથી વધુ ઘરોમાં કુલ 51, 724 વ્યક્તિઓનું સર્વેલેન્સ કરવામાં આવ્યું હતું. કુલ 3567 કાચા મળેલ ઘરોમાંથી 3741 ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું છે.
સૌથી વધુ અરવલ્લી માં 3 બાળકોના મોત થયા છે. સાબરકાંઠા, મોરબી અને રાજકોટમાં 2-2 મૃત્યુ થયા છે. અમદાવાદ, મહીસાગર, સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીઓના મોત થયા છે. ગાંધીનગર અને મહેસાણામાં પણ 1-1 દર્દીઓના મોત નિપજ્યા છે. રાજસ્થાનના ઉદેપુરના 2 દર્દી સારવાર હેઠળ છે. મધ્યપ્રદેશના 1 દર્દી વાઇરસનો શિકાર થયો છે. સારવાર દરમ્યાન રાજસ્થાનના 1 દર્દીનું મોત થયું છે.