દુનિયામાં કોરોના વાઇરસની ઝપેટમાં આશરે અઢી લાખ લોકો આવી ગયા છે અને 10,000 લોકોનાં મૃત્યુ થયાં છે.
આ દરમિયાન ગુજરાતમાં કોરોના વાઇરસના વધુ બે કેસ પૉઝિટિવ આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોય એવા સાત લોકો સામે આવ્યા છે. ગુજરાતના સ્વાસ્થ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ પહેલાં ગુજરાતમાં પાંચ ચેપગ્રસ્ત કેસ નોધાયા હતા. આરોગ્યવિભાગનાં અગ્ર સચિવ જંયતી રવિએ પત્રકારપરિષદમાં કહ્યું કે અમદાવાદમાં 2 અને વડોદરામાં 1 કેસ સામે આવ્યો છે. શુક્રવારે રાજકોટ-સુરતમાં 1-1 કેસની પૃષ્ટિ થઈ હતી.
તેમણે કહ્યું હતું કે આ દરદીઓની પરદેશ સાથે અવરજવર રહી છે. એક ફિનલૅન્ડથી અને એક અમેરિકાથી તેમજ એક સ્પેનથી પરત ફરેલા છે અને તમામની ઉંમર 35 વર્ષથી નીચેની છે. તેમણે ઉમેર્યું કે 150 સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં, તે પૈકી 123 રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે અને 22 રિપોર્ટ હજી આવવાના બાકી છે. રાજ્યમાં પરદેશથી આવેલા 559 પ્રવાસીઓની ચકાસણી કરવામાં આવી છે અને 499ને ઘરે ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય 63 પ્રવાસીઓને ક્વોરૅન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.
#coronavirus