ગુજરાતમાં વરસાદની તોફાની બૅટિ‍ંગ….

0
220

ગુજરાતમાં ગઈ કાલે અષાઢી માહોલ જામ્યો હતો. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળે હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ઉમરગામમાં પોણાપાંચ અને નડિયાદ તથા મહેમદાવાદમાં સવાચાર ઇંચથી ‍વધુ વરસાદ પડતાં આ નગર જાણે જળબંબોળ બની ગયાં હતાં, જેમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધી ૧૩૨ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં ૨૬ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ખાસ કરીને ખેડા જિલ્લાના નડિયાદમાં બપોરે ૧૨થી ૨ વાગ્યાના બે કલાકમાં ત્રણ ઇંચ, મહેમદાવાદમાં બપોરે ૧૨થી ૨ વાગ્યાના બે કલાકમાં ચાર ઇંચ જેટલો અને મોરબીમાં બપોરે ૨થી ૪ વાગ્યામાં સવાત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે નડિયાદમાં ચાર ગરનાળાં પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં, જેને કારણે નડિયાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. નડિયાદની જેમ મહેમદાવાદ અને ઉમરગામના પણ હાલબેહાલ થઈ ગયા હતા.
ગઈ કાલે સુરેન્દ્રનગરના વઢવાણમાં, વલસાડ જિલ્લાના વાપીમાં અને અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં અઢી ઇંચ, જ્યારે અંજાર અને મહુધામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં ગઈ કાલે ખેડા, મોરબી, વલસાડ, સુરેન્દ્રનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, સુરત, જામનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો.