દર્દી 2 દિવસ અગાઉ જ સારવાર માટે હોસ્પિટલ આવ્યાં હતાં. H3N2થી ગુજરાતમાં પ્રથમ અને દેશનું ત્રીજુ મોત છે. દર્દીના H3N2ના વાયરસથી મોતની તપાસ માટે અમદાવાદ સેમ્પલ્સ મોકલવામાં આવ્યાં છે.
ગુજરાતમાં પ H3N2 ની દસ્તક બાદ રાજ્યમાં પ્રથમ મોતનો કેસ નોંધાયો છે. ગુજરાતના વડોદરા શહેરમાં એક 58 વર્ષીય મહિલાને બે દિવસ પહેલા શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. ડોક્ટરોએ H3N2 વાયરસથી મૃત્યુની પુષ્ટિ કરી છે. રાજ્યમાં H3N2 થી આ પ્રથમ મૃત્યુ હોવાનું કહેવાય છે. રાજ્યમાં બે દિવસ પહેલા સુરતમાં કોરોનાથી પ્રથમ મોત નોંધાયું હતું. રાજ્યમાં H3N2 કેસોમાં વધારા સાથે, કોવિડ કેસોની સંખ્યામાં વધારો થયો છે.
મળતી માહિતી મુજબ, શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી 58 વર્ષીય મહિલાને શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો હતા. આ પછી તેને સારવાર માટે શહેરની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગેની માહિતી મળતાં આરોગ્ય વિભાગે સતર્કતા વધારી દીધી છે. મહિલાના પરિવારના સભ્યો પાસેથી સેમ્પલ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી અન્ય સભ્યોને ચેપ લાગ્યો છે કે નહીં તેની પુષ્ટિ કરી શકાય.