ગુજરાત પ્રવાસે PM મોદી, જામનગર, જૂનાગઢ અને સોમનાથની મુલાકાત લેશે

0
96

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, 1 માર્ચથી 3 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ રાજ્યના વિવિધ સ્થળોની મુલાકાત લેશે અને મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. PM મોદી 1 માર્ચે સાંજે 7:30 કલાકે જામનગર એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી સીધા સર્કિટ હાઉસ જઇ રાત્રિ રોકાણ કરશે. 2 માર્ચે તેઓ રિલાયન્સ ગ્રુપના પ્રોજેક્ટ ‘વનતારા’ ની મુલાકાત લેશે, ત્યારબાદ બપોરે 2 વાગ્યે જૂનાગઢ એરપોર્ટ પર પહોંચશે. તેઓ ગીરના સિંહ સદન ખાતે રાત્રિ રોકાણ કરશે.

કડક સુરક્ષા વ્યવસ્થા
3 માર્ચે PM મોદીની અધ્યક્ષતામાં ગીરમાં નેશનલ વાઈલ્ડલાઈફ બેઠક યોજાશે, જ્યાં પ્રકૃતિ અને વનજીવન સંરક્ષણ પર ચર્ચા થશે. બેઠક પૂર્ણ થયા બાદ PM મોદી સોમનાથ જવા રવાના થશે, જ્યાં બપોરે 2 વાગ્યે તેઓ સોમનાથ મંદિરના દર્શન કરશે.સોમનાથ મંદિરના દર્શન બાદ PM મોદી દિલ્હી માટે પરત ફરશે. તેમના આ પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થામાં પણ તંત્રએ કડક આયોજન કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જામનગરની મુલાકાતે રહેવાના છે, આ દરમિયાન તેઓ પાયલોટ બંગલા ખાતે જામનગરના રાજવી શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી શકે છે. આજે જામસાહેબનો જન્મદિવસ હોવાથી PM મોદીની શુભેચ્છા મુલાકાતની શક્યતા છે. વડાપ્રધાનની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને દ્રઢ બનાવવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત કડક ગોઠવવામાં આવ્યો છે અને પાયલોટ બંગલા સુધીનો માર્ગ કોર્ડન કરવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે. PM મોદીની આ મુલાકાત રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.