ચીનમાં કોરોના વિસ્ફોટથી ગુજરાત સરકાર એક્શન મોડમાં

0
272

વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા કેસને જોતા ભારત એલર્ટ થઈ ગયું છે. આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને ચર્ચા કરી હતી, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને લઇને આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે મળેલી બેઠકમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજ્યમાં કોરોના સામેની સુરક્ષા માટે અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓથી સજ્જ થવા માટે આરોગ્યમંત્રી તરફથી સૂચના આપવામાં આવી હતી.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના પી.એચ.સી., સી.એચ.સી., સિવિલ હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા, વેન્ટિલેટર તેમજ ઓક્સિજન ટેન્કની વ્યવસ્થાઓ, દવાના પર્યાપ્ત જથ્થા સહિતની કોરોના સંબંધિત તમામ વ્યવસ્થાઓ સંદર્ભે વિગતવાર સમીક્ષા કરી હતી. વિદેશી પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટિંગ અને ટેસ્ટિંગ કરવા માટેની પણ સૂચના આરોગ્યમંત્રી તરફથી આપવામાં આવી હતી. રાજ્યમાં થયેલ શ્રેષ્ઠ કોરોના રસીકરણના પરિણામે હાલ ગુજરાત કોરોના સામે સુરક્ષિત છે. હાલ રાજ્યમાં દરરોજ 2થી 3 જેટલા કોરોનાના જૂજ કેસ જોવા મળી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આજે પણ રાજ્યમાં દરરોજ 8થી 10 હજાર જેટલા કોરોના ટેસ્ટ થાય છે. પ્રિ-કોશનના ભાગરૂપે આરોગ્ય અધિકારીઓ, હોસ્પિટલને સેન્સિટાઇઝ કરવા માટે આજે બેઠક યોજવામાં આવી હતી. આરોગ્યતંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજ્યની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને અન્ય તબીબી અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી. આ તમામ અધિકારીઓને કોરોના સામેની સુરક્ષા વ્યવસ્થાના અગમચેતીના પગલા લેવા માટે સેન્સિટાઇઝ કરવામાં આવ્યા હતા.