જામખંભાળિયામાં મેઘરાજા તોફાની : બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ

0
1531

સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ત્યારે જામનગરના જામખંભાળિયામાં છેલ્લા બે કલાકમાં સાડાછ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. જામનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ૮થી ૧૩ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ત્યારે આજે ફરી જામખંભાળિયામાં સાડાછ ઇંચ વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. બીજી તરફ રાજકોટ, અમરેલી અને ઉનામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો, જ્યારે જૂનાગઢમાં આજે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

રાજકોટમાં કાળાં ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે, જ્યારે દીવ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. બીજી તરફ અમરેલીના વડિયાના બરવાળા બાવળ ગામમાં આવેલા એક પુલ પરથી પસાર થતી કાર પાણીમાં તણાઈ ગઈ હતી. જોકે સ્થાનિક લોકોએ આ દુર્ઘટના જોતાં કાર અને એમાં બેઠેલા લોકોને બચાવવા આવી ગયા હતા. સ્થાનિક લોકોએ ઘણી જહેમત બાદ કારમાં બેઠેલા ચાર જણનો આબાદ બચાવ કરી લીધો છે.

અમરેલી અને રાજુલા પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. વરસાદને પગલે ઘાતરવડી ડૅમ નંબર ૧ ઓવરફ્લો થયો છે. રાજુલાના છતડિયા રોડ પર સૂર્યા બંગલોઝ, મનમંદિર રેસિડન્ટ, બજરંગ રેસિડન્ટ સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં છે. નગરપાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી નહીં થતાં પાણી ભરાયું છે. તો બગસરાનાં કાગદડી, સમઢિયાળા, હામાપુર ગામ સહિતના તાલુકામાં વરસાદ વરસતાં સ્થાનિક નદીનાળાં છલકાઈ ગયાં છે. આ સાથે જ ખારી નદીમાં પૂર આવતાં લોકો પૂર જોવા ઊમટી પડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here