‘જેમિની સર્કસ’ના સંસ્થાપક જેમિની શંકરનનું 99 વર્ષની વયે અવસાન…

0
187

‘જેમિની સર્કસ’ના સંસ્થાપક અને ભારતીય સર્કસ ક્ષેત્રના દિગ્ગજ  જેમિની શંકરનનું 99 વર્ષની વયે અવસાન થયું છે. જેમિની શંકરનના પારિવારિક સૂત્રોએ સોમવારે જણાવ્યું કે એ વધતી ઉંમર સંબંધિત બીમારીઓના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અહીંયાની નજીકની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા અને રવિવારે રાત્રે તેમનું અવસાન થયું હતું. કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને જેમિની શંકરનના અવસાન પર શોક વ્યક્ત કર્યો અને ભારતીય સર્કસને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં તેમની ભૂમિકાના વખાણ કર્યા છે. આ સાથે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે, શંકરને ભારતીય સર્કસના આધુનિકીકરણમાં એક મોટી ભૂમિકા નિભાઈ અને વિદેશી કલાકારો અને તેમના કરતબોને એમાં સામેલ કર્યા હતા. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે પ્રગતિશીલ દૃષ્ટિકોણ રાખનાર શંકરનની સાથે તેમના ઘનિષ્ઠ સંબંધ હતા.

શંકરનના વિવિધ વડાપ્રધાનો, રાષ્ટ્રપતિઓ અને અન્ય પ્રમુખ હસ્તીઓની સાથે પણ સારા સંબંધ હતા. શંકરનનું અવસાન દેશમાં સર્કસ કલા માટે એક મોટી ખોટ છે. અહીંયા નોંધવું રહ્યું કે, શંકરનનો જન્મ 1924માં થયો હતો. તેમણે પ્રસિદ્ધ સર્કસ કલાકાર કીલેરી કુન્હિકન્નન પાસેથી ત્રણ વર્ષ સુધી ટ્રેઈનિંગ લીધી અને બાદમાં સૈન્યમાં સામેલ થયા હતા. એ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સેવાનિવૃત થઈ ગયા હતા.

દેશભરમાં વિવિધ સર્કસ જૂથો સાથે કામ કર્યા બાદ, તેમણે 1951માં વિજયા સર્કસ કંપની ખરીદી અને તેનું નામ બદલીને જેમિની સર્કસ કરી દીધું. બાદમાં તેમણે પોતાની બીજી કંપની જંબો સર્કસ શરુ કરી હતી. કેન્દ્ર સરકારે દેશમાં સર્કસના ક્ષેત્રમાં શંકરનના સમગ્ર યોગદાનને જોતા તેમને લાઇફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. શંકરનના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેમના પાર્થિવ શરીરને તેમના નિવાસસ્થાન પર રાખવામાં આવશે, જેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી શકે. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે પય્યામબ્લમ દરિયા કિનારે કરવામાં આવશે.