ગાંધીનગરમાં લારીગલ્લાના દબાણો હવે કાયમી થઈ ગયા હોય તેમ લાગી રહયા છે. કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા વારંવાર ઝુંબેશ ચલાવીને લારીગલ્લા જપ્ત લેવામાં આવે છે તેમ છતાં ફરી દબાણો ઉભા થઈ જાય છે. આવી સ્થિતિમાં હવે પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણરૂપ લારીગલ્લા દુર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ક-૭થી ખ-૭ સુધીના માર્ગ ઉપર આઠ લારીઓના દબાણ હટાવી ગુનો પણ નોંધવામાં આવ્યો છે.
ગાંધીનગરના ક-૭થી ખ-૭ સુધીના એક કીમીના વિસ્તારમાં પોલીસે આઠ લારીગલ્લાના દબાણ દુર કર્યા છે. ટ્રાફિકને અડચણરૂપ આ દબાણો દુર કરવાની સાથેસાથે લારીગલ્લાધારકો સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ કરતાં અન્ય દબાણકારોમાં પણ ફફડાટ ફેલાયો છે. આવી સ્થિતિમાં પોલીસ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવે અને નગરના માર્ગોની બન્ને બાજુ ઉભા થતાં આ દબાણો દુર કરવામાં આવે તેવી લોકમાંગણી પણ ઉઠવા પામી છે.
અત્યાર સુધી ગાંધીનગરમાંથી દબાણો દુર કરવા માટે કોર્પોરેશન સહિત માર્ગ અને મકાન વિભાગ, વનવિભાગ કાર્યવાહી કરતું હતું અને તેમની સાથે પોલીસ રહેતી હતી. ત્યારે હવે પોલીસે જ નડતરરૂપ દબાણો દુર કરવાનું નક્કી કરતાં રોડસાઈડ લારીગલ્લા ધારકોમાં ફફડાટ ફેલાયો છે.