તમામ કરદાતા માટે એકસમાન રિટર્નની નાણામંત્રાલયની દરખાસ્ત

0
217

નાણા મંત્રાલયે મંગળવારે તમામ કરદાતાઓ માટે આવકવેરા રિટર્નનું યુઝરફ્રેન્ડલી એકસમાન ફોર્મ જારી કરવાની દરખાસ્ત કરી છે. હાલમાં વિવિધ કેટેગરીના કરદાતા માટે સાત પ્રકારના આવકવેરા રિટર્ન (ITR) ફોર્મ છે. નવા એકસમાન ફોર્મ હેઠળ  વર્ચ્યુઅલ ડિજિટલ એસેટની આવક અલગ હેડ હેઠળ જાહેર કરવાની રહેશે.

ટ્રસ્ટ અને નોન પ્રોફિટ સંસ્થાઓ સિવાયના તમામ કરદાતાઓ સૂચિત નવા એકસમાન ITR ફોર્મ સાથે રિટર્ન ફાઇલ કરી શકશે. નવા એકસમાન ફોર્મ અંગેર સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ 15 ડિસેમ્બર સુધીમાં હિતધારકો પાસેથી અભિપ્રાયો મંગાવ્યા છે. નાણા મંત્રાલય હેઠળના CBDTએ જણાવ્યું હતું કે ITR-1 અને 4 ચાલુ રહેશે, પરંતુ વ્યક્તિઓ પાસે એકસમાન ITR ફોર્મમાં આવકના રિટર્ન ફાઇલ કરવાનો વિકલ્પ પણ હશે. સીબીડીટીએ જણાવ્યું હતું કે તે ITR-7 સિવાય આવકના તમામ હાલના રિટર્નને મર્જ કરીને એક સામાન્ય ITR રજૂ કરવાની દરખાસ્ત કરે છે. ડ્રાફ્ટ ITRનો ઉદ્દેશ્ય રિટર્ન ફાઇલ કરવામાં સરળતા લાવવા અને વ્યક્તિઓ અને બિન-વ્યાપારી પ્રકારના કરદાતાઓ દ્વારા ITR ફાઇલ કરવા માટેનો સમય નોંધપાત્ર રીતે ઘટાડવાનો છે. હાલમાં મોટાભાગના નાના અને મધ્યમ કરદાતાઓ ITR ફોર્મ 1 (સહજ) અને ITR ફોર્મ 4 (સુગમ) ફાઇલ કરે છે.  સહજ ફોર્મ એવી વ્યક્તિ દ્વારા ફાઇલ કરી શકાય છે, જેમની આવક રૂ.50 લાખ સુધી હોય અને જેઓ પગાર, એક ઘરની મિલકત/અન્ય સ્ત્રોતો (વ્યાજ વગેરે)માંથી આવક મેળવે છે. રૂ.50 લાખ સુધીની કુલ આવક ધરાવતી તથા બિઝનેસ અને પ્રોફેશનલમાંથી આવક ધરાવતી વ્યક્તિઓ, હિંદુ અવિભાજિત પરિવારો (HUF) અને પેઢીઓ ITR-4 ભરે છે. રહેણાંક મિલકતમાંથી આવક ધરાવતા લોકો ITR-2, બિઝનેસ-પ્રોફેશનમાંથી નફા તરીકે આવક ધરાવતા લોકો ITR-3 ભરે છે. નાંગિયા એન્ડરસન એલએલપીના પાર્ટનર સંદીપ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે નવું સામાન્ય ફોર્મ અને સંબંધિત યુટિલિટી નોટિફાઇ થયા પછી ફોર્મ ITR-2, ITR-3, ITR-5 અને ITR-6માં આવકનું રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓ પાસે જૂના ફોર્મ ફાઇલ કરવાનો વિકલ્પ રહેશે નહીં.