“વાઘબકરી ચા” ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું આકસ્મિક નિધન…

0
212

ભારતની અગ્રણી પેકેજ્ડ ચા કંપનીઓમાંની એક વાઘબકરી ‘Tea’ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે સાંજે આકસ્મિક નિધન થયું. ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડની વાઘબકરી ચા બ્રાન્ડ સૌથી વધુ લોકપ્રિય છે. લાંબા સમયથી દેસાઈ વાઘબકરી ગ્રુપ સાથે સંકળાયેલા હતા. પરાગ દેસાઈ થોડા દિવસ પહેલા જ એક સામાન્ય ઘટનાનો ભોગ બન્યા. જેમાં ઇજા થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં ટૂંકી સારવારમાં જ વાઘબકરી ગ્રુપના મહત્વના હોદ્દા પર રહેલા પરાગ દેસાઈનું 49 વર્ષે નિધન થયું. તેમના પરિવારમાં તેમની પત્ની વિદિશા અને પુત્રી પરિશા છે.

ગુજરાત સ્થિત ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડની વાઘબકરી ચા આજે ઘેર-ઘેર લોકપ્રિય છે. પરાગ દેસાઈ 1995માં ગ્રુપ સાથે જોડાયા, જ્યારે કંપનીની કિંમત 100 કરોડ રૂપિયાથી ઓછી હતી. વાઘબકરી ટી ગ્રુપ સાથે સંકળાયા બાદ નવીનતમ પરીવર્તન જોવા મળ્યું. તેમના નેતૃત્વ હેઠળ કંપનીએ રૂ. 2,000 કરોડથી વધુનું ટર્નઓવર અને 50 મિલિયન કિલો ચાના વિતરણ સાથેની ભારતની અગ્રણી પેકેજ્ડ ચા કંપનીઓમાંની એક બની. સાથે તેમણે શરૂ કરેલ વાઘ બકરી ટી ગ્રૂપનું ટી લાઉન્જ, આઈસ્ડ ટી, ઈકોમર્સ અને ડિજિટલ જેવા નવતર પ્રયાસોને સફળતા મળી. પરાગ દેસાઈના નિધનથી બિઝનેસ જગતમાં શોક જોવા મળ્યો. દેસાઈ પાસે 30 થી વધુ વર્ષનો આંત્રપ્રિન્યોરશિપનો અનુભવ હતો. પરાગ દેસાઈ એક પ્રખ્યાત ટી ટેસ્ટર પણ હતા

પ્રાપ્ત સૂત્રો મુજબ વાઘબકરી ટી ગ્રુપના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર પરાગ દેસાઈ સામાન્ય ઘટનાનો ભોગ બન્યા. દેસાઈ 15 ઓક્ટોબરના રોજ તેમના નિવાસસ્થાનેથી પુત્રીને લેવા ધરની બહાર નીકળ્યા હતા. ત્યારે શેરીના શ્વાને તેમના પર હુમલો કરતાં રસ્તા પર પડી ગયા અને માથામાં ગંભીર ઇજા પંહોચી. તેમને અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા. પરંતુ 24 કલાક બાદ પણ તેમની તબિયતમાં સુધારો ના થતા ઝાયડસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. માથામાં ગંભીર ઇજા થતા તેમને બ્રેઇન હેમરેજ થતા તેમની સર્જરી કરવામાં આવી. જેના બાદ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. અને એક સપ્તાહની ટૂંકી સારવાર દરમ્યાન દેસાઈનું મૃત્યુ થયું.