દિલ્હીમાં વાયુ પ્રદૂષણ જોખમી સ્તરે પહોંચ્યું છે અને દિલ્હી ફરી એક વખત ગેસ ચેમ્બર બનતા સુપ્રીમ કોર્ટે ઈમર્જન્સીની સ્થિતિ હોવાથી દિલ્હી સરકારને એક્શન પ્લાન જણાવવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટની ટકોર બાદ કેજરીવાલ સરકારે દિલ્હીમાં એક સપ્તાહ સુધી આંશિક લોકડાઉનની જાહેરાત કરી છે. એક સપ્તાહ સુધી શાળાઓમાં ફિઝિકલ શિક્ષણ બંધ કરાયું છે અને ફક્ત ઓનલાઈન શિક્ષણ શરૂ રહેશે. આ ઉપરાંત સરકારી તેમજ ખાનગી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવા માટે સરકારે અપીલ કરી છે. સરકારના આદેશ મુજબ 17 નવેમ્બર સુધી તમામ પ્રકારના બાંધાકમ સંલગ્ન કામકાજ બંધ રાખવા પડશે.
દિલ્હીમાં શનિવારે હવાનું સ્તર ભયાનક સ્તરે પહોંચ્યું હતું અને એર ક્વોલિટી ઈન્ડેક્સ 499 પર પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ પરિસ્થિતિની તુલના કટોકટી સાથે કરી હતી અને દિલ્હી સરકારને આનો ઉકેલ માટે પગલાં લેવા તાકીદ કરી હતી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે સાંજે ઈમર્જન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, પર્યાવરણ મંત્રી ગોપાલ રાય અને દિલ્હીના મુખ્ય સચિવ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટેના નક્કર પગલાં અંગે ચર્ચા થઈ હતી.
બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી કેજરીવાલે મીડિયાને જણાવ્યું કે સોમવારથી એક સપ્તાહ શાળાઓ બંધ રહેશે. ફક્ત ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. 14-17 નવેમ્બર સુધી કન્સ્ટ્રક્શન કામગીરી બંધ રાખવામાં આવશે. સરકારી ઓફિસોમાં 100 ટકા વર્ક ફ્રોમ હોમ રહેશે અને કચેરીઓ બંધ રહેશે. ખાનગી સેક્ટર માટે પણ એડવાઈઝરી જાહેર કરાશે અને વર્ક ફ્રોમ હોમને પ્રોત્સહાન આપવા જણાવાશે. કેજરીવાલે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના સુચન મુજબ દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધુ ખરાબ થશે તો લોકડાઉન પણ લાગુ કરી શકીએ છીએ.