દિલ્હીમાં મંકીપોક્સ નો પ્રથમ કેસ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, લગભગ 32 વર્ષીય યુવક મંકીપોક્સની ઝપેટમાં આવ્યો છે. આ યુવકને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર કરવામાં આવી રહી છે. આ દર્દીએ કોઇ વિદેશ યાત્રા કરી નથી, પરંતુ થોડા દિવસ અગાઉ તે મનાલીમાં એક પાર્ટીમાં હાજર હતો. કેરળમાં ત્રણ કેસ નોંધાયા બાદ આજે દિલ્હીમાં પણ દર્દી સામે આવ્યા બાદ સરકાર એક્શનમાં આવી છે. આજે રવિવારે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સાયન્સ, આરોગ્ય મંત્રાલય, નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને ICMRના અધિકારીઓ હાજર રહ્યા હતા.
દિલ્હીમાં મંકીપોક્સના કેસની વાત કરીએ તો, આ યુવકને ત્રણ દિવસ પહેલા બીમારીના લક્ષણો દેખાતાં હોસ્પિટલમાં અલગ કરાયો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે, શનિવારે તેના નમૂના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી પૂણે મોકલવામાં આવ્યા હતા, જે પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, દર્દીના નિકટના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી છે અને ગાઇડલાઇન અનુસાર ક્વોરન્ટાઇન છે.