દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર

0
79

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશાં ભાર મૂક્યો છે. રાજ્યની વધુ ને વધુ દીકરીઓને પ્રાથમિક શિક્ષણ સુલભ બને તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેઓએ કન્યા કેળવણી રથયાત્રા જેવી અસરકારક શૈક્ષણિક પહેલ શરૂ કરી હતી, જેના પરિણામસ્વરૂપે રાજ્યની લાખો દીકરીઓ પ્રાથમિક શિક્ષણ મેળવી રહી છે. આ જ દિશામાં આગળ વધીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પર પણ ભાર મૂક્યો છે. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, આર્થિક અક્ષમતાઓને કારણે દીકરીઓને શિક્ષણ છોડી ન દેવું પડે અને વધુ ને વધુ દીકરીઓ પોતાનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે, તેવા ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ વર્ષના બજેટમાં આ યોજના માટે ₹1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થિનીઓને આ ચાર વર્ષો દરમિયાન કુલ ₹50 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, યોજના અમલી થયેથી અત્યારસુધીમાં રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને કુલ ₹138.54 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.