નવરાત્રી પર વરસાદની આગાહી

0
339

નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે. નવરાત્રી દરમિયાન હાથીયો નક્ષત્ર બેસે છે, જેને લઇને બપોર બાદ વરસાદ વરસી શકે છે. આ દરમિયાન 3થી 4 ઇંચ જેટલો વરસાદ પડશે, એવી આગાહી પ્રખ્યાત આગાહીકાર રમણીક વામજા દ્વારા કરવામાં આવી છે. તેમજ ગઈકાલે સૂર્ય ફરતે થયેલા ગોળચક્રને લઇને વિશ્વમાં કોઈપણ દેશમાં પ્રચંડ વાવઝોડું આવશે, તેવી આગાહી પણ તેમન દ્વારા કરવામાં આવી છે. આમ, નવરાત્રીમાં વરસાદના વિઘ્નની શક્યતા દર્શાવી છે.

વરસાદની આગાહી જ્યોતિષશાસ્ત્ર, ભડલી વાક્યો તેમજ ખગોળ વિજ્ઞાનને આધારે કરવામાં આવે છે. ખગોળ વિજ્ઞાન પર છેલા 32 વર્ષથી આગાહી કરનાર રમણીક વામજાએ આગાહી કરી છે કે, નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવશે. બપોર બાદ વરસાદ પડી શકે છે. જેને મંડાણ વરસાદ કહેવામાં આવે છે અને અંદાજીત 3થી 4 ઇંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રમાં થઇ શકે છે.

બીજી તરફ, ગઈકાલે એક ખગોળીય ઘટના બનવા પામી હતી. સૂર્યની ફરતે એક ચક્ર જોવા મળ્યું હતું. તેને લઇને રમણીક વામજાએ આગાહી કરી છે કે, 18થી 22 ઓક્ટોબર દરમિયાન વિશ્વભરમાં પ્રચંડ વાવઝોડું આવશે અને દરિયામાં પણ ખૂબ મોટા ફેરફારો જોવા મળશે. ચંદ્ર અને સૂર્ય ફરતે ચક્ર બન્ને તે અલગ ઘટના છે, પણ પ્રચંડ વાવાઝોડાની શક્યતા છે.