નવા જંત્રી દરોમાં શહેરોમાં નવ ગણા સુધી વધારો

0
107

ગુજરાત સરકારે જાહેર કરેલા મુસદ્દારૂપ નવા જંત્રી દરોને લઇને રીઅલ એસ્ટેટ માર્કેટમાં વિપરીત પ્રતિક્રિયા આવી છે. નવા જંત્રી દરોમાં શહેરોમાં નવ ગણા સુધી વધારો થયો હોવાથી બિલ્ડરો અને પ્રોપર્ટી ડીલરોને આંચકો લાગ્યો છે. આ અંગે સરકારે મગાવેલા વાંધાસૂચનોમાં તેઓ રજૂઆત કરવા માટે તત્પર છે, સાથે સરકારના સૂત્રો પાસેથી સાંપડેલી વિગતો અનુસાર આ દરોમાં કેટલેક ઠેકાણે રાહત અપાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ જોતાં બિલ્ડરો અને મકાન ખરીદનારાં વધુ ચિંતા ન કરે, કારણ કે સરકાર કેટલાંક ઉપાયો સૂચવી શકે છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મુસદ્દારૂપ નવા જંત્રીદરોમાં જ્યાં છથી નવ ગણો વધારો સૂચવાયો છે તેવા વિસ્તારોમાં વાંધાસૂચનોને આધારે નિર્ણય લેવાઇ શકે. વાંધાસૂચનો માટે લોકોને એક માસનો સમય અપાયો છે, તેને અંતે સરકાર સમીક્ષા કરીને બજારોમાં મંદી આવતી ટાળવા અને ખરીદારોને પરવડી શકે તેવા ભાવ મળે તે માટે જરૂર લાગે તો જ જંત્રીદરોમાં ઘટાડો કરશે. હાલ જંત્રીના જે નવા દરો જાહેર કરાયાં છે તેમાં બજારભાવ વચ્ચેનો તફાવત લગભગ નહિવત્ થઇ ગયો છે. આ જોતાં શરતની બદલી અને હેતુફેર વખતે લેવાતું પ્રીમિયમ પણ વધી જશે. આ સંજોગોમાં સરકાર આ પ્રીમિયમની ટકાવારી ઘટાડી શકે છે. આ સિવાય આવતાં બજેટમાં સરકાર સ્ટેમ્પ ડ્યૂટીમાં એક ટકા જેટલો ઘટાડો જાહેર કરી શકે છે. હાલ સ્ટેમ્પ ડ્યૂટી 4.9 ટકા છે, તે ઘટાડીને 4 ટકા આસપાસ કરવા આવતા અંદાજપત્રમાં દરખાસ્ત રજૂ થાય તેવી સંભાવનાઓ પણ ચકાસાઇ રહી છે. જો કે આવતાં માર્ચ સુધીની સ્ટેમ્પ ડ્યૂટીની આવકોના અંદાજને આધારે ગણતરી મૂકીને સરકાર કેટલો ઘટાડો કરવો તે નિર્ણય લઇ શકે છે. ડ્યૂટી ઉપરાંત હાલ જમીનોના બિનખેતી, શરત અને હેતુ ફેર વખતે લેવાતાં પ્રિમિયમમાં પણ ઘટાડો કરવાથી બિલ્ડરો અને સરવાળે મકાનના ખરીદારોને પણ આંશિક રાહત મળી શકે છે. હાલ શહેરી વિસ્તારોમાં નવી શરતની જમીનને બિનખેતીમાં તબદીલ કરતી વખતે 40 ટકા પ્રિમિયમ લેવાય છે, તેમાં પણ ઘટાડો કરાઇ શકે છે. થોડાં સમય પહેલાં સરકારે શુદ્ધબુદ્ધિના ખરીદારોના કિસ્સામાં હેતુફેર વખતે લેવાતા પ્રિમિયમ ઘટાડો કરી તેને 30 ટકાને બદલે 10 ટકા કર્યો છે.