પાટનગરમાં જાન્યુઆરી માસથી પાણીવેરાના બિલનું વિતરણ કરાશે 

0
103

ગાંધીનગરમાં પાણી વેરાની એડવાન્સ વસૂલાત મામલે પાટનગર યોજના વિભાગ દ્વારા આગામી માસ એટલે કે જાન્યુઆરી માસના અંતમાં જ વેરાના બિલો મોકલવાની શરૂઆત કરી દેશે. દર વર્ષે નબળી વસૂલાત થતી હોય છે ત્યારે આ વખતે ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ અમલી બનાવવામાં આવતાં પ્રથમવાર માતબર વસૂલાત થવાનો અંદાજ છે. જેથી એડવાન્સ વેરાની ભરપાઇ માટે નાગરિકોને સમય મળે અને વળતર યોજનાનો લાભ લઇ શકે ત માટે સમયસર બિલો પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

ગાંધીનગરમાં સૌથી વધુ 240 લીટરથી વધુ માથાદિઠ પાણીનો વપરાશ છે છતાં પાણી વેરો ભરવા મામલે નાગરિકોનો નબળો પ્રતિસાદ જોવા મળે છે. પાટનગર યોજના વિભાગ દ્વારા સેક્ટરોમાં દર વર્ષે જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીમાં પાણી વેરાના બિલોનું વિતરણ શરૂ કરવામાં આવે છે. 31 માર્ચ સુધીમાં વેરો ભરી દેનારા નાગરિકોને વળતર પણ આપવામાં આવે છે પરંતુ નાગરિકોમાં ઉદાસિનતા અને વસૂલાત માટે પરંપરાગત લાઇનમાં ઉભા રહેવાની પદ્ધતિને કારણે પાટનગર યોજના વિભાગ માંડ 45 ટકા રકમની વસૂલાત કરી શકે છે.

ચાલું વર્ષે પાટનગર યોજના વિભાગ દ્વારા નવા અને જૂના સેક્ટરોમાં પાણી વેરો નહીં ભરનારા 4 હજારથી વધુ બાકીદારોને નોટીસ ફટકારવામાં આવી હતી. નોટીસ બાદ 7 લાખ જેટલી આવક થઇ હતી. પરંતુ લક્ષ્યાંક મુજબની વસૂલાત થઇ શકતી નથી. અન્ય વિભાગોની જેમ પાટનગર યોજના વિભાગોએ નાગરિકોને ઓનલાઇન પેમેન્ટની સુવિધા માટે આ વખતે શરૂઆત કરવામાં આવી છે. જેના કારણે હવે નાગરિકોને ઇન્ક્વાયરી કચેરીમાં કે પાટનગર યોજના કચેરીમાં વેરો ભરવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું નહીં પડે.