પાલનપુરમાં યુવકની હત્યામાં છ આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું

0
208

પાલનપુરમાં સપ્તાહ પૂર્વે થયેલી યુવકની હત્યાના કેસમાં પોલીસે ઝડપેલા છ આરોપીઓ આઠ દિવસના રિમાન્ડ પર છે ત્યારે પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન તેમજ પંચનામુ કર્યું હતું. જે દરમિયાન પોલીસ આરોપીઓને દંડા મારતા હોય તેવો વીડિયો વાયરલ થતાં આરોપી લાલા માળીની પત્ની સહિત મોટી સંખ્યામાં મહિલાઓએ આરોપીઓને માર મારવા મુદ્દે એસપી કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.
પાલનપુરના હાઇવે વિસ્તારની એક હોટલ આગળ 20 ડિસેમ્બરે રાત્રે 24 જેટલા યુવકોએ ભરત ચૌધરી નામના યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. જ્યારે નીતિન ચૌધરી નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે ટીમો બનાવીને મુખ્ય આરોપી લાલા માળી સહિત છ આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓને કોર્ટમાં રજુ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવી શનિવારે સવારે રીકન્સ્ટ્રક્શન કરવા લઈ જવાયા હતા. તેમજ ઘટનાસ્થળે પંચનામું કર્યું હતું. દરમિયાન પાલનપુરના એરોમા સર્કલ પાસે પોલીસ દ્વારા આરોપીઓને દંડા વડે માર મારતો વીડિયો વાયરલ થયો હતો. જ્યારે એકઠા થયેલા લોકો પોલીસની કાર્યવાહીના વખાણ કરતા નજરે પડ્યા હતા. જે વીડિયો વાયરલ થયા બાદ મુખ્ય આરોપી ગણાતા લાલા માળીની પત્ની સહિત મોટી સંખ્યામાં મહિલાઓએ સાંજે એસપી કચેરીએ આવેદનપત્ર આપી આરોપીઓએ ગુનો કબુલ કર્યા પછી તેમને મારવાની કોઈને સત્તા નથી તેમજ કાયદા વગર કશું પણ થશે તો અમે અંદોલન કરીશું તેવી રજૂઆત કરી હતી.