પીડીઈયુમાં બીટેકની વિદ્યાર્થીનીનો હોસ્ટેલના ધાબા ઉપરથી છલાંગ લગાવી આપઘાત

0
80

ગાંધીનગર શહેર નજીક આવેલું પંડિત દિન દયાળ એનર્જી યુનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગઈકાલે વહેલી પરોઢે હોસ્ટેલના ધાબા ઉપરથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. જેના પગલે ઇન્ફોસિટી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ શરૃ કરી હતી. આ વિદ્યાર્થીનીએ લખેલી ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી છે.આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક પંડિત દિન દયાળ એનર્જી યુનિવસટીમાં મૂળ મહારાષ્ટ્રના ઓરંગાબાદની ૨૦ વર્ષીય યુવતી પાયલ ભગવાનભાઈ ગુપ્તે બીટેકનો અભ્યાસ કરતી હતી. હોળી ધુળેટી પર્વ હોવાથી બધા વિદ્યાર્થીઓ પોતાના ઘરે ગયા હતા પરંતુ પાયલ હોસ્ટેલમાં જ રોકાણી હતી અને તેણે વહેલી સવારે માતા સાથે ફોન ઉપર વાત પણ કરી હતી. દરમિયાનમાં આ વિદ્યાર્થીનીએ ગર્લ્સ હોસ્ટેલના ધાબા ઉપરથી છલાંગ લગાવી દીધી હતી. જેના કારણે તેના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. વિદ્યાર્થીની નીચે પડતા હોસ્ટેલના સિક્યુરિટી જવાનો અને અન્ય કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા અને તેણીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બીજી બાજુ આ ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતે મોત અંગેની નોંધ કરીને તેણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસ દ્વારા હોસ્ટેલના રૃમમાં પણ તપાસ કરવામાં આવી હતી. જ્યાં પાયલ દ્વારા અંગ્રેજીમાં લખવામાં આવેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, રવિવારની રાત્રે તેણે તેના પિતાને ફોન કર્યો હતો અને મેન્ટલી ડિસ્ટર્બ હોવાની વાત કરી હતી. જોકે તેણે લખેલી અંતિમ ચિઠ્ઠીમાં પોતે સારી નહીં લાગતી હોવાથી આવતા જન્મમાં પથ્થર બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.