ગુજરાતમાં અગામી ૧૬ સપ્ટેમ્બરથી ટ્રાફિકના સુધારેલા નવા નિયમોનો અમલ થવા જઈ રહ્યો છે ત્યારે ગઈ કાલે અમદાવાદમાં વાહનચાલકોમાં દોડધામ મચી ગઈ હતી અને પીયુસી સર્ટિફિકેટ મેળવવા માટે વાહનચાલકોની પીયુસી સેન્ટરો પર લાંબી લાઇનો લાગી ગઈ હતી. પીયુસી સર્ટિફિકેટ માટે વાહન પ્રમાણે વીસથી ૧૦૦ રૂપિયા સુધીનો ચાર્જ થતો હોવા સામે પીયુસી સર્ટિફિકેટ વગર વાહનચાલક પકડાય તો પહેલી વાર ૫૦૦ અને બીજી વાર ૧૦૦૦ રૂપિયાના દંડની જોગવાઈ હોવાથી વાહનચાલકોનો પીયુસી સર્ટિફિકેટ લેવા ધસારો થયો હતો.
ભારત સરકાર દ્વારા સુધારેલા મોટર વાહન અધિનિયમ – ૨૦૧૯માં ફેરફારો કરી એનો અમલ કરવા ગુજરાત સરકારે તૈયારીઓ કરી દીધી છે અને આગામી ૧૬ સપ્ટેમ્બરથી એનો અમલ કરવા જઈ રહી છે ત્યારે જે વાહનચાલકો પાસે જરૂરી દસ્તાવેજો નથી તેવા વાહનચાલકોએ આ દસ્તાવેજો મેળવવા માટે ગઈ કાલથી દોડધામ શરૂ કરી દીધી છે. ખાસ કરીને ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો તેમના વાહન માટે પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ સર્ટિફિકેટ મેળવવા માટે ઉતાવળા થયા હતા.