પ્રજાપતિ સમાજ દ્વારા શૈક્ષણિક સંસ્થા માટે ગાંધીનગરમાં જમીનની માગણી

0
180

ગાંધીનગરમાં શૈક્ષણિક સંસ્થા ઉભી કરવા માટે રાહતદરે જમીન માટે પ્રજાપતિ સમાજે માંગણી કરી છે. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રજૂઆત કરાઈ છે કે, રાજ્યમાં પ્રજાપતિ સમાજની જનસંખ્યા 50 લાખ કરતાં વધુ છે. અન્ય સમાજને જે ધારાધોરણ મુજબ જે-તે જ્ઞાતિના ભવનના નિર્માણ માટે જમીન ફાળવવામાં આવેલ છે તે જ ધારાધોરમ મુજબ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘને સમાજના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગર મુકામે 1 લાખથી વધુ ચોરસવાર જમીન ફાળવવા માંગણી કરાઈ છે.

પ્રજાપતિ સમાજને જમીન ફાળવવામાં આવશે તો શિક્ષણભવનનું પણ નિર્માણ કરવાનું આયોજન કરવાની ખાતરી અપાઈ છે. સંઘ દ્વારા રજૂઆત કરાઈ છે કે, પ્રજાપતિ સમાજ પણ દેશના સર્વાગી વિકાસમાં સહયોગી બને તે માટે પાયાની જરૂરિયાત શિક્ષણ છે.

સમાજનો કોઈ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે માટે સમાજભવન અને વિદ્યાર્થીઓના વિકાસ માટે શિક્ષણભવન હોવું ખૂબ જરૂરી છે. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા શિક્ષણના હેતુ માટે રાહત દરે જમીન ફાળવવા રજૂઆતો કરેલી છે. પરંતુ હજુ સુધી સમાજને ન્યાય મળ્યો નથી. જેથી સમાજના વિકાસ માટે વહેલી તકે જમીન ફાળવવા માંગણી કરાઈ છે. શૈક્ષણિક સંસ્થા માટે જમીન મગાઇ છે.