બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના મુદ્દે ઉગ્ર આંદોલન ચલાવી બે સપ્તાહ
પહેલાં ગાંધીનગરને ગજવી દેનાર ઉમેદવારોએ સરકાર નિયત સમાધાન મુજબ કામગીરી
કરવાને બદલે મંદગતિ રાખીને બેદરકારી દાખવતી હોવાનો આક્ષેપ કરી પરીક્ષા રદ કરવાની
માંગણીએ ૧૬મી ડિસેમ્બરથી આંદોલન પાર્ટ-ટુ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગાંધીનગરમાં બિનસચિવાલય પરીક્ષાના ઉમેદવારોએ પરીક્ષાકાર્યમાં ગેરરીતિ થઈ હોવાનું જણાવી પરીક્ષા રદ કરવાની માગણી સાથે આંદોલન શરૂ કર્યું હતું. જેમાં રાજ્યભરમાંથી સેંકડોની સંખ્યામાં પરીક્ષાર્થી યુવક-યુવતીઓએ ઉમટી પડતાં વહીવટીતંત્ર અને
પોલીસ સામે પડકાર ઊભો થયો હતો. પરિસ્થિતિ પારખીને સરકાર દ્વારા આંદોલનકારીઓના પ્રતિનિધિમંડળ સાથે સમાધાન કરી આ મુદ્દે સીટની રચના કરી હતી અને ઝડપથી તપાસ હાથ ધરી ઉકેલની ખાતરી આપી હતી. સમાધાન બાદ આંદોલનકારીઓમાં બે ભાગ પડી જતાં કોંગ્રેસના સમર્થન સાથે એક જૂથે આંદોલન ચાલુ રાખ્યું હતું. જો કે કોંગ્રેસનો સાથ પરિણામ માટે કારગર ન નીવડતાં આંદોલન મંદ થયું હતું અને મુઠ્ઠીભર ઉમેદવારો ધરણાં સાથે આંદોલન સ્થળ પર રહ્યા છે. દરમિયાન સમાધાન મુજબ સીટ દ્વારા ઝડપી કામ ન થતાં રોષે ભરાયેલા ઉમેદવારો મૂળ નેતા યુવરાજસિંહની રાહબરી હેઠળ ૧૬મી ડિસેમ્બર સોમવારથી આંદોલન પાર્ટ-ટુ શરૂ કરી પરીક્ષા રદ થાય એ પછી જ આંદોલન સમેટવાની કટીબદ્ધતા વ્યક્ત કરી છે.