ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 17 નવેમ્બરે લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિઓ થઇ હોવાનો SITએ સ્વીકાર કર્યો છે. પરીક્ષાર્થીઓએ સરકારને ગેરરીતિના જે પુરાવા આપ્યા હતા તે બધાં જ પ્રમાણિત હોવાનું SITની તપાસમાં ખૂલ્યું છે. આ મામલે આજે ગૃહ રાજ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વિદ્યાર્થી આગેવાનોએ પુરાવારૂપે 10 જેટલા મોબાઈલ, સીસીટીવી આપ્યા હતા, જેની લેબોરેટરી દ્વારા ચકાસણી કરવામાં આવી છે. સીસીટીવીમાં પરીક્ષાર્થીઓ એકબીજાને પૂછીને જવાબો લખતા જોવા મળ્યા હતા. FSL રિપોર્ટ આવ્યા બાદ એસઆઈટીએ મુખ્યમંત્રીને રિપોર્ટ સોંપ્યો હતો. ત્યાર બાદ આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.