નાણાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં આજે જીએસટી કાઉન્સિલની ૪૪મી બેઠક મળી. આ બેઠકમાં કેટલાક અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. જીએસટી કાઉન્સિલે બ્લેક ફંગસની દવાને ટેક્સ ફ્રી કરવાની મંજૂરી આપી છે. જ્યારે કોરોના સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ પર વેરાનો દર ઘટાડવામાં આવ્યો છે.
જીએસટી કાઉન્સિલે કોરોના વેક્સિન પર ૫ ટકા જીએસટી યથાવત રાખ્યો છે. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સીતારામને સ્પષ્ટ કર્યું કે, કેન્દ્ર સરકાર ૭૫ ટકા કોરોના વેક્સિનની ખરીદી કરી રહી છે. તેની પર જીએસટી પણ આપી રહી છે, પરંતુ જ્યારે તેને સરકારી હોસ્પિટલોના માધ્યમથી સામાન્ય લોકોને મફ્તમાં અપાશે તો તેની લોકો પર કોઇ અસર નહીં પડે. જીએસટી કાઉન્સિલે કોરોના સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ પર વેરાનો દર ઘટાડ્યો છે. રેમડેસિવિર દવા પર જીએસટી દર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરાયો છે. ઉપરાંત ઓક્સિમીટર, મેડિકલ ગ્રેડનું ઓક્સિજન અને વેન્ટિલેટર પર પણ જીએસટીનો દર ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા કરાયો છે.
કોવિડ તપાસ કિટ પર ૫ ટકા ટેક્સ આપવું પડશે. અત્યાર સુધી આની પર ૧૨ ટકા ટેક્સ વસૂલાતો હતો. પલ્સ ઓક્સીમીટર, હેન્ડ સેનિટાઇઝર, તાપમાન તપાસવાના ઉપકરણો અને એમ્બ્યુલન્સ પર પણ ટેક્સના દરને ઘટાડી ૫ ટકા કરવામાં આવ્યો છે. આ ફેરફાર ૩૦ સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.