ફરી એકવાર સ્કુલ ફીમાં 25 ટકા રાહતની માંગ વાલીઓ દ્વારા ઉઠી છે. હાલમાં સરકાર દ્વારા ધોરણ 1થી 8ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. તેવામાં વાલીઓમાં ફરી ફી મુદ્દે રાહત મેળવવા સળવળાટ ઉઠ્યો છે. આ મામલે હવે વાલીમંડળ હાઈકોર્ટનાશરણે પહોચ્યું છે અને ફી મુદ્દે 25 ટકા રાહત મળે તેવી જાહેરહિતની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી છે.
કોરોનાના કારણે ગત વર્ષે ધોરણ 1થી 12ના વિધાર્થીને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે આ વખતે કેસમાં ઘટાડો થતા ધોરણ 9થી 12ની પરીક્ષાઓ લેવામાં આવી. પરંતુ હાલમાં જ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1થી 8માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એવી જ રીતે ગતવર્ષે કોરોનાના કારણે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત આપવામાં આવી હતી. જેને લઈ આ વર્ષે પણ ફીમાં રાહત મળે તેવી માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી.