મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ૭ મી ડિસેમ્બરે ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન

0
125

રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે,જાન્યુઆરીમાં ગુજરાત ની ૧૦ મી વાઇબ્રન્ટ સમીટનુ આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે પ્રિ-વાઇબ્રન્ટ ઈવેન્ટના ભાગરૂપે ગાંધીનગર ખાતે તા.૭ મી ડિસેમ્બરે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.મંત્રીશ્રી એ ઉમેર્યું કે,તા.૬ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે કેન્દ્રિય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરની વિશેષ ઉપસ્થિતમાં આ રાઉન્ડ ટેબલ મીટીંગ યોજાશે. આ સ્ટાર્ટઅપ કોન્કલેવ માં સમગ્ર દેશમાંથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ અને વેન્ચર કેપિટલિસ્ટ અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ ઉપસ્થિત રહેવાના છે.
તેમણે ઉમેર્યું કે, આ રાઉન્ડ ટેબલ બેઠક અને સ્ટાર્ટ અપ કોન્કલેવમા સ્ટાર્ટઅપ્સને વધુ સરળ અને અનૂકુળ વાતાવરણ પુરૂ પાડવાના હેતુથી નિયમનકારી સુધારા, કરવેરા પ્રોત્સાહનો અને અનુપાલન સંદર્ભે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્હાન્સમેન્ટ પર ભાર મૂકવામાં આવશે. ભારત અને ગુજરાતમાં વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી રોકાણની સ્થિતિની સમીક્ષા તેમજ ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવાની તકોની ચર્ચા સંદર્ભે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.