મોસાળ સરસપુરની 15થી વધુ પોળમાં ભક્તોને ભાવપૂર્વક જમાડાશે….

0
122

ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાનો પ્રારંભ થઇ ચુક્યો છે અને ભગવાનના ઘર આંગણે દર્શન કરવાનો લ્હાવો ભક્તોને મળી રહ્યો છે. રથયાત્રામાં જય જગન્નાથ અને જય રણછોડ માખણચોરના નાદ સાંભળવા મળી રહ્યા છે ત્યારે મોસાળ સરસપુરમા પણ ભાવિકોને જમાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરસપુર ભગવાનનું મોસાળ છે અને બપોરે અહીં રથયાત્રા પહોંચ્યા બાદ ભક્તો અને ભગવાનને વિશ્રામ આપવામાં આવે છે અને સરસપુરના ભક્તો ભગવાન અને રથયાત્રામાં સામેલ ભક્તો અને સાધુ સંતોને પ્રેમથી જમાડે છે.ભગવાનનો રથ બપોરે જ્યારે સરસપુર મોસાળમાં પહોંચશે ત્યારે તમામ લોકોને સરસપુરની અલગ અલગ પોળમાં તેમને જમાડવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી પરંપરા મુજબ સરસપુરની 15થી વધુ પોળમાં રથયાત્રામાં સામેલ ભક્તો અને સાધુ સંતોને જમાડવામાં આવે છે.સરસપુરમાં ભક્તોને જમાડવા માટે છેલ્લા 1 મહિનાથી તૈયારીઓ કરવામાં આવે છે અને રસોઇ માટેની સાધન સામગ્રી એકત્ર કરી લેવામાં આવે છે અને પોળના રહિશો જ અનાજ સાફ કરીને રસોઇ બનાવે છે. રથયાત્રાના દિવસે ભક્તો માટે વહેલી સવારે દાળ, શાક અને ભાત બનાવામાં આવે છે અને આ તમામ પ્રસાદ અલગ અલગ પોળમાં જ બનાવે છે. દરેક પોળમાં 5 હજારથી વધુ ભક્તો પ્રસાદ આરોગે છે.સરસપુરની પીપળા પોળ, ગાંધીની પોળ, મોટી સાડવી પોળ, દેસાઇની પોળ, લુહારની પોળ, કડીવાવાળની પોળ, પાંચાવાળ પોળ અને આંબલીવાડ તથા છાપરીવાડ અને શણગાર શેરી તથા વાસણ શેરી અને ઠાકોર વાસ તથા બાલા હનુમાનનું રસોડું તથા સ્વામિનારાયણ મંદિરમાં ભક્તોને જમાડવામાં આવે છે. કેટલીક પોળમાં આગલા દિવસે જ પુરી બનાવાય છે અમને રથયાત્રાના દિવસે શાક તૈયાર કરાય છે. પ્રસાદ આપવામાં કોઇ પણ પ્રકારનો ભેદભાવ રખાતો નથી.