આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (Gujarat Rain) ની આગાહી કરવામાં આવી છે. MPનું ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઇ રહ્યું હોવાથી આગામી 48થી 72 કલાક સુધી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિકસેલું ડિપ્રેશન ધીમે ધીમે ગુજરાત તરફ આવ્યું હતું અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે અમે દરેક જિલ્લામાં NDRF અને SDRF તૈનાત કર્યા છે અને હવે અમે આર્મીને પણ સ્ટેન્ડબાય રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસથી થયેલા વરસાદને કારણે એક ટ્રેક્ટર વહી ગયું હતું. મોરબી જીલ્લામાં બનલી આ ઘટનામાં 18-20 જેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાંથી 10ને બચાવી લેવામાં આવ્યા છે અને 8 હજુ પણ લાપતા છે. બીજી તરફ નર્મદા ડેમ પણ લગભગ ભરાઈ ગયો છે.. મુખ્યમંત્રી સતત અમારા સંપર્કમાં છે.ચોમાસામાં અત્યાર સુધીમાં લગભગ 1700 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 99 લોકોના મોત થયા છે.