રાજ્યમાં સતત પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેના કારણે સીએમ ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નિર્દેશ કર્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર કહ્યું કે આ વર્ષે કમોસમી વરસાદના લીધે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે. ત્યારે આપદાની આ સ્થિતિમાં રાજ્ય સરકાર પૂરી સંવેદના સાથે ખેડૂતોની સહાયતા માટે તેમની પડખે ઉભી છે.
ધરતીપુત્રોને મદદ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ
તેમણે કહ્યું કે આ સંદર્ભે આજે ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા અધિકારીઓને જરૂરી સૂચના આપી. રાજ્યમાં પાછલા બે દાયકાથી વધુ સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી. આવા સંજોગોમાં ખેડૂતોને જે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, તેની ઝડપથી સમીક્ષા અને સર્વે કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.






