ગુજરાતમાં કોરોના પોઝિટિવના તેર નવા કેસ નોંધાયા છે જ્યારે બે દર્દીના મોત થયા છે. સુરતા પાલ વિસ્તારમાં રહેતા કોરોના પોઝિટિવ મહિલાનું મોડા રાત્રે મિશન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતુ. જ્યારે અમદાવાદમાં પણ 67 વર્ષીય એક મહિલાનું મૃત્યુ થયું છે જેને પહેલેથી જ દમની બિમારી હતી. આ સાથે રાજ્યમાં કોરોનાના 108 દર્દીઓ અને 11 મૃત્યુ નોંધાયા છે. શનિવારે જે નવા કેસ નોંધાયા તેમાં અમદાવાદમાં સાત, ભાવનગર અને ગાંધીનગરમાં બે-બે જ્યારે સુરત અને પાટણમાં એક-એક કેસ નોંધાયો છે.
આરોગ્ય સચિવ જયંતી રવિએ આ અંગે જણાવ્યું કે લૉકડાઉન થયું તે પૂર્વે પણ કેટલાંક વિદેશથી આવેલાં લોકો શહેરમાં આવ્યા હતા. તે દરમિયાન જાહેર સ્થળો પર હરતાં-ફરતાં આ મહિલાઓ તેમના કે અન્ય કોઇ સંક્રમિત સ્થળ કે વસ્તુના સંપર્કમાં આવી હોય તેવું બને. હજુ આવાં ખૂબ ઓછાં કેસ નોંધાયાં છે, સ્ટેજ-3 એટલે કે કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં ખૂબ મોટી સંખ્યામાં આવાં કેસ બહાર આવતાં હોય છે. જો કે આરોગ્ય સચિવે ઉમેર્યું કે હાલ અમદાવાદને હોટસ્પોટ તરીકે દર્શાવાયું હોવાથી અહીં ક્લસ્ટર કન્ટેન્મેન્ટ પ્રક્રિયા થકી અટકાવના પગલાં ચાલું છે. અમદાવાદમાં અમુક સ્થળો છે જ્યાં એક પરિવાર કે વિસ્તારમાં એક કરતાં વધુ કેસ મળ્યાં હોય પરંતુ તેનાથી તે સ્ટેજ-3માં આવ્યું તેમ ગણાશે નહીં.