રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ 374 પોઝિટિવ કેસ નોંધાયા છે અને સૌથી વધુ 28 દર્દીના મોત અને 146 દર્દી સાજા થયા છે. આમ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 290એ પહોંચ્યો છે અને કુલ દર્દી 5,428 દર્દી નોંધાયા છે. તેમજ 1042 દર્દી સાજા થયા છે. આ પહેલા 19 એપ્રિલે 367, 29 એપ્રિલે, 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સતત પાંચમાં દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસો અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 374 નવા કેસ નોંધાયા છે. જેનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 274, વડોદરામાં 25, સુરતમાં 25, મહેસાણામાં 21, મહીસાગરમાં 10, બનાસકાંઠામાં 7 ગાંધીનગરમાં 3, બોટાદમાં 3 અને દેવભૂમિ દ્વારકામાં 3 અને પાટણ, દાહોદ, અરવલ્લીમાં 1-1 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 23, સુરતમાં 2, વડોદરા, ગાંધીનગર અને આણંદમાં 1-1 દર્દીના મૃત્યુ થતા 28ના દર્દીના મૃત્યુ થયા છે. આ 26 મૃત્યુમાંથી 4 દર્દીના કોરોનાને કારણે અને 22ના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણે મૃત્યુ થયા છે. તેમજ આજે 146 દર્દી સાજા પણ થયા છે. કુલ 5428 દર્દીમાંથી 31 વેન્ટીલેટર પર અને 4065ની હાલત સ્થિર છે અને 1042 સાજા થઈને ઘરે પરત ફર્યાં છે તો અત્યાર સુધી 290 દર્દીના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 80 હજાર 60 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 5428ના રિપોર્ટ પોઝિટિવ અને 74632ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.