રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. બપોર બાદ સુરતમાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવતા આજે રાજ્યમાં કુલ 18 નવા દર્દી નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના 146 દર્દીઓ થઈ ગયા છે. જેમાંથી 11ના મોત અને 21ને રજા આપી દેવામાં આવી છે. અત્યારસુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. મકરઝથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 144 કેસ થયા છે. અમદાવાદમાં 11 નવા કેસ જ્યારે સુરત 3, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય માટે એ બાબત પણ હવે ચિંતા ઉપજાવે તેવી છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે.