લદ્દાખ બોર્ડર પર ઓક્સિજન લેવલ ઘટી જતાં ખેરાલુના જવાને દમ તોડ્યો

0
279

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના અને જમ્મુમાં લદાખ બોર્ડર પર ફરજ બતાવતા જવાન ભરતસિંહ રાણાનુંઓક્સિજન લેવલ ઘટી જતા તેઓએ દમ તોડ્યો હતો. આજે તેઓના પાર્થિવદેહને ચાણસોલ ગામે લાવતા સમગ્ર ગામ શોકમય બન્યું હતું. 5 કિલોમીટર લાંબી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં ગામલોકો હિબકે ચડ્યા હતા. ગામલોકોએ ભારત માતા કી જયના નારા લગાવી જવાનને અંતિમ વિદાય આપી હતી. ખેરાલુના ચાણસોલ ગામના ભરતસિંહ રાણા અને તેમના ભાઇ બંને આર્મીમાં ફરજ બજાવતા હતા. ભરતસિંહ રાણા લદાખ બોર્ડર પર અને તેમના ભાઇ હિમાચલ પ્રદેશમાં ફરજ બજાવે છે. ભરતસિંહ રાણા એકાદ અઠવાડિયા પહેલાં ડ્યુટી પર હતા ત્યારે વાતાવરણ ઠંડુ હોવાથી તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. જેથી તેમને ચંદિગઢ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં થોડી રિકવરી આવી હતી. જોકે, ફરીથી તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેમનું મોત થયું હતું. આજે ભરતસિંહ રાણાના ભાઇ જે આર્મીમાં ફરજ બજાવે છે. તેઓ તેમના ભાઇના પાર્થિવ દેહ લઇને ગામમાં આવ્યાં હતા અને અંતિમ વિધિ યોજાઇ હતી. અંતિમ વિધિને લઇને આજે આખા ગામે બંધ પાળીને જવાન ભરતસિંહ રાણાને શ્રદ્ધાજલિ આપી હતી. જવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. તેમજ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.