લટાર મારવા નીકળતા યુવાનો સામે ગુજરાત પોલીસના ડીજીપી કડક વલણ દાખવ્યું હતું. શિવાનંદ ઝાએ ચીમકી આપીને જણાવ્યું હતું કે, ઘરની બહાર નીકળશો તો તમારી સામે ગુનો દાખલ થશે. જેના કારણે તમારી કારકિર્દી મુશ્કેલ બની જશે, પાસપોર્ટ બનાવવામાં પણ તકલીફ પડશે.
શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે “ઘરે રહો, સુરક્ષિત રહો”ના મંત્રને અનુસરવા જણાવ્યું છે. લોકડાઉન દરમિયાન રાજ્યના યુવાનો ખોટા બહાના બનાવીને ઘરની બહાર લટાર મારવા ન નીકળે, લોકડાઉનનો ભંગ કરનાર આવા યુવાનો સામે ગુનો નોંધી પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. યુવાનોની સામે જો ગુનો નોંધાશે તો તેમના ઉચ્ચ અભ્યાસ, વિદેશ પ્રવાસ અને ઉજ્જવળ કારકિર્દી જોખમાશે. આવા યુવાનો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું ગણીને તેમનો પાસપોર્ટ પણ કેન્સલ થઈ શકે તેમ છે.