પીએમ મોદીના ગુજરાત પ્રવાસ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી 138 મીટરથી વધુ ભરાઇ ગયો છે અને રાજ્યના સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે, ત્યારે આ ઉત્સવમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે કેવડિયા ખાતે ઉપસ્થિત રહીને નમામિ દેવી નર્મદે મહોત્સવમાં સહભાગી બનીને નર્મદાના નીરના વધામણાં કરશે. વડાપ્રધાનના જન્મદિન પ્રસંગે યોજાનાર આ નમામિ દેવી નર્મદે મહોત્સવ નિમિત્તે સવારે 9:00 થી 10:00 દરમ્યાન નદી, નાળા, તળાવોમાં રોજીંદા જીવનમાં વપરાતા સિંગલ યુઝ પ્લાસ્ટીકનું એકત્રિકરણ કરાશે. તેમજ સ્વચ્છતા જાળવવા સંદર્ભે અને પર્યાવરણની જાળવણી માટે યોજાનાર વૃક્ષા રોપણના કાર્યક્રમોમાં પણ નાગરિકોને જોડાવવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.
‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’માં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રીના 70માં જન્મદિવસે તેમના જ પરિશ્રમ અને પુરૂષાર્થી માર્ગદર્શનમાં પૂર્ણ થયેલી નમર્દા યોજનાનો સરદાર સરોવર બંધ તેની પૂર્ણ સપાટીએ ભરાવાના સુભગ સમન્વયે અવસરને ‘નમામિ દેવી નર્મદે મહોત્સવ’ તરીકે ઉજવવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં આયોજન થયું છે. કેવડિયા ખાતે યોજાનાર આ મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને નર્મદા નીરના વધામણા કરશે.
પીએમ મોદી ગરૂડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચન કરશે
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, વડાપ્રધાન કેવડિયા ખાતે આકાર લઇ રહેલી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા વિવિધ પ્રોજેકટસ રિવર રાફ્ટીંગ, જંગલ સફારી પાર્ક, બટરફલાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વવનની મુલાકાત લઇને ગરૂડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચન કરીને જાહેર સભા સંબોધશે તેમજ રાજ્યના નાગરિકોના ઉલ્લાસમાં નવું બળ પૂરશે.
તમામ જિલ્લા મથકોએ કાર્યક્રમનું આયોજન
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નર્મદા ડેમ આજે 138.68 મીટરની પૂર્ણ સપાટીએ છલકાયો છે. ગુજરાતના જનજનમાં મા નર્મદાના જળને નમામિ દેવી નર્મદે મહોત્સવથી વધાવવાનો અનેરો ઉમંગ ઊત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં મંત્રી મંડળના સભ્યો સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લા મથકોએ મુખ્ય કાર્યક્રમો તથા તાલુકા મથકોએ પણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એટલું જ નહિ તમામ જિલ્લા પંચાયત સીટ દીઠ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં વિવિધ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
ગામો તથા નગરોમાં સવારે લોકમાતા મા નર્મદા નીરના વધામણા
મંત્રી જાડેજાએ આગળ કહ્યું કે, રાજ્યભરમાં ગામો તથા નગરોમાં સવારે લોકમાતા મા નર્મદા નીરના વધામણા શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી સાથે કરાશે. સાથે સાથે નદી કાંઠા, તળાવો, ચેકડેમ જેવા જળસ્ત્રોતોની સફાઇ પણ હાથ ધરાશે. સાથોસાથ ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકાર કરતા વૃક્ષારોપણ કાર્યક્રમો પણ આ મહોત્સવ અંતર્ગત યોજાવાના છે.
લોક ગાયકો અને કલાકારો ગીતોની પ્રસ્તુતિ કરશે
જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જન ઉત્સવમાં લોક કલાકારો પ્રખ્યાત ગાયકો, ગુજરાતી ફિલ્મી કલાકારો, લોકસાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થઇને નર્મદા મૈયાના જળ વધામણા કરતા ગીતોની સંગીત મઢી પ્રસ્તુતિ કરશે. વશિષ્ઠ સાધુ-સંતો, ધર્મગુરૂઓ, સેવાભાવી સંગઠનોના વડાઓ સહિત વિવિધ ક્ષેત્રના ગણમાન્ય વ્યકિત વિશેષો પણ આ જનઉમંગ ઉત્સવમાં જોડાવાના છે. આપણે સૌ સાથે મળીને મા નર્મદા જ્યારે આપણા આંગણે આવી છે તો તેને વધાવીએ અને આપણા પર નર્મદા મૈયાની કાયમી કૃપા રહે એ માટે આર્શીવચન મેળવીએ તેમ તેમણે જણાવ્યું હતું.
પીએમ મોદીનો કાર્યક્રમ
તારીખ સમય કાર્યક્રમ
16 સપ્ટે. 10.30 PM એરપોર્ટ પર આગમન
17 સપ્ટે. 6.00 AM હીરાબાના આશીર્વાદ
17 સપ્ટે. 6.35 AM હેલિપેડથી હેલિકોપ્ટરમાં કેવડિયા રવાના
17 સપ્ટે. 7.45 AM કેવડિયા આગમન
17 સપ્ટે. 8થી9.30 AM વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ
17 સપ્ટે. 9.30થી 10 AM નર્મદા પૂજન
17 સપ્ટે. 10થી11 AM દત્ત મંદિર,ચિલ્ડ્રન,ન્યુટ્રિશન પાર્કની મુલાકાત
17 સપ્ટે. 11થી 12 AM જાહેરસભા સંબોધશે
17 સપ્ટે. 1.15 PM ગાંધીનગર પરત ફરશે
17 સપ્ટે. 2.30 PM રાજભવન રોકાણ
17 સપ્ટે. 2.30 PM બાદ વારાણસી જવા રવાના થશે