વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ અને 24મીએ બજેટ રજૂ કરાશે

0
194

15મી વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર આગામી 23 ફેબ્રુઆરીએ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં રાજ્યપાલ તરફથી વિધાનસભા સત્રનું સત્તાવાર આહવાન કરવામાં આવશે. 24મી ફેબ્રુઆરીએ નવી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવશે.

વિધાનસભાનું સત્ર માર્ચના અંત સુધી ચાલશે. આ દરમિયાન રાજ્યપાલના સંબોધન પર ચર્ચા, બજેટ પર સામાન્ય ચર્ચા અને કેટલાક વિધેયકો પણ રજૂ થશે. 156 બેઠકો સાથેની જંગી બહુમતીથી ચૂંટાયેલી સરકાર હવે કરકસરના પગલાં લેવા જઇ રહી છે જેના કારણે બજેટમાં આર્થિક ભારણ ઓછું હોય તેવી નવી યોજના તૈયાર કરીને જાહેર કરવામાં આવશે. હાલની જે યોજનાઓ વધુ નાણાબોજ ધરાવે છે તેમાં કાપ મૂકવામાં આવશે. ગુજરાત સરકાર નો ચેરીટી એટલે કે બિનજરૂરી સહાય અપાતી હોય તેવી યોજનાઓ બંધ કરશે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને અપાતી ગ્રાન્ટમાં પણ કાપ મૂકવામાં આવે તેવી શક્યતા છે.

તાજેતરમાં મુખ્યમંત્રીએ સ્થાનિક સંસ્થાઓને સ્વાયત્ત બનવા સૂચના આપી હોવાથી મહાનગરપાલિકાઓ દ્વારા હયાત કર માળખામાં વધારો કરવાની શરૂઆત કરી છે. સાથે બાકી કર વસૂલાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર આઉટ સોર્સીંગ બંધ કરીને રેગ્યુલર નિમણૂંકો કરવાનો નિર્ણય લીધો છે. જેથી બજેટમાં મોટી સંખ્યામાં નવી ભરતીઓ પણ જાહેર કરવામાં આવશે.